
તાલિબાનીઓનો નવો ફતવોઃ યુવક-યુવતીઓને એક સાથે ભણવાની નહી મળે મંજૂરી
- યુવક-યુવતીઓને સાથે ભણવાની મંજૂરી નહીઃ તાલિબાન
- તાલિબાનીઓનો નવો ફતવો
દિલ્હીઃ અફઘાનિસ્તાન પર તાલિબાનીઓએ પોતાનું રાજ જમાવ્યું ચે તેમના રાજમાં અનેક લોકો પર માત્ર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે સાથે જ અવનવા ફતાવો કાઢવામાં આવી રહ્યા છે, ત્યારે હવે મહિલાઓના અધિકારોનું સન્માન કરવાનો દાવો કરી રહેલા તાલિબાનનો ચહેરો ફરી દુનિયાની સામે બેનકાબ થયો છે.
વાત જાણે એમ છે કે યુદ્ધગ્રસ્ત દેશમાં નવી સરકાર બનાવવા માટે તૈયાર તાલિબાનોએ સહ-શિક્ષણ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. યુવક અને યુવતી બન્નેને એક સાથે કોલેજો અને યુનિવર્સિટીઓમાં ભણવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
તાલિબાનીઓ એ એક ફતવો પણ બહાર પાડ્યો હતો કે પુરૂષ શિક્ષકોને યુવતીઓને ભણાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. શેખ અબ્દુલ બાકી હક્કાનીને કેરટેકર ઉચ્ચ શિક્ષણ મંત્રી બનાવ્યાના થોડા દિવસો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ખામા સમાચાર રિપોર્ટ મુજબ, તાલિબાન અધિકારીઓએ ગયા અઠવાડિયે અફઘાનિસ્તાનના પશ્ચિમ હેરત પ્રાંતમાં આદેશ આપ્યો હતો કે યુનિવર્સિટીઓમાં છોકરીઓ છોકરાઓ એક સાથે એક જ વર્ગમાં ભણશે નહીં.
અધિકારીઓએ કહ્યું કે સહ-શિક્ષણ ચાલુ રાખવા માટે કોઈ વાજબીપણું નથી અને આ વ્યવસ્થા બંધ થવી જોઈએ. નવનિયુક્ત કાર્યકારી શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ પ્રવૃતિઓ શરિયા કાયદા અનુસાર જ ચલાવવામાં આવશે.