
અમદાવાદમાં CTM ઓવરબ્રિજ પાસે ટેમ્પાએ પાંચ વાહનોને અડફેટે લેતા બે મહિલાઓ સહિત ત્રણને ઈજા
અમદાવાદઃ શહેરમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે, ટ્રાફિક વધવાની સાથે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે. આજે રવિવારે સવારના સમયે શહેરમાં CTM ઓવરબ્રિજથી હાટકેશ્વર તરફના છેડેથી આવી રહેલા એક આયશર ટેમ્પાએ પાંચ વાહનોને અડફેટે લેતાં બે મહિલાઓ સહિત ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત વખતે ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. જેથી પોલીસે ટ્રાફિકને હળવો કર્યો હતો. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
શહેર ટ્રાફિક પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં શનિવાર સાંજથી જ વરસાદ સમયાંતરે પડી રહ્યો છે, ત્યારે CTM ઓવરબ્રિજના છેડે હાટકેશ્વર બાજુથી આવી રહેલા આયશર ટેમ્પાએ ચાર બાઈક અને એક લોડિંગ ટેમ્પાને અડફેટે લઈને રીવર્સમાં દોડવા લાગ્યો હતો. અને દુકાનના ઓટલા પાસે જઈને અટક્યો હતો. એક બાઈક ચાલક પરિવારને અડફેટે લેતાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યાં છે. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને ત્રણ જેટલી 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે આઈશર ચાલકને પોલીસે ઝડપીને ખોખરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ખોખરા પોલીસના સ્ટાફે અકસ્માતને કારણે જામ થઈ ગયેલા ટ્રાફિકને પૂર્વવત કરીને સ્થિત નિયંત્રિત કરી હતી.