
કચ્છના ભચાઉ પાસે હાઈવે પર ટેન્કરે પલટી ખાતાં કેમિકલ ઢોળાયું, લોકો તેલ સમજી વાસણો લઈને દોડ્યાં
ભૂજઃ કચ્છના ભચાઉ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર બપોરના સમયે કેમિકલ ભરેલા ટેન્કરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર રોડ પર પલટી ગયું હતું. જેના કારણે રોડ પર તેલ જેવા કેમિકલની રેલમછેલ થઈ હતી. જે તેલની રેલમછેલ થઈ તે સાબુ બનાવવાના ઉપયોગમાં લેવાતું હોવાનું અને અતિદુર્ગંધયુક્ત હતું.જો કે ટેન્કર હાઈવે પર પલટી ગયું હતું તે સ્થળની નજીકમાં રહેતા લોકો વાસણો, કેરબાઓ લઈને તેલ લેવા દોડી આવ્યા હતા. જેના કારણે રસ્તા પર લોકોમાં અફરાતફરી મચી હતી. બીજી તરફ વાહનચાલકો પણ સ્લીપ થવા લાગ્યા હતા. જેના કારણે તંત્ર દ્વારા એક તરફનો વાહન વ્યવહાર બંધ કરાવી દેવામાં આવ્યો હતો.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, ભચાઉ નજીકના નેશનલ હાઇવે પર આવેલા બ્રિજ પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારતાં કેમિકલ રોડ પર ઢોળાવવા લાગ્યું હતું. આ બનાવની જાણ થતા જ નજીકમાં રહેતા લોકો ખાદ્ય તેલ હોવાનું માનીને તેને લેવા ઉમટી પડ્યા હતા. ઢોળાયેલું ફેટી કેમિકલ નજીકમાં રહેતા લોકો ખાધ તેલ માની વાસણો, કેરબા લઈને ભરતા નજરે પડ્યા હતા. દરમિયાન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને આ તેલ નહીં પણ કેમિકલ છે. એટલે ઘેર ન લઈ જવા લોકોને સમજાવ્યા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ભચાઉ નજીક હાઈવે પર બપોરના સમયે ગાંધીધામ તરફથી તેલ ભરીને આવી રહેલું એક ટેન્કર બટીયા ઓવરબ્રિજ પાસે બેકાબૂ બનતા પલટી ગયું હતું. જેના કારણે ટેન્કરમાં રહેલા સાબુ બનાવવા માટેના તેલની રેલમછેલ થઈ હતી. સાબુ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા તેલની દુર્ગંધના કારણે લોકોમાં અફરાતફરી મચી હતી. વાહનચાલકો પણ રસ્તા પર સ્લીપ થવા લાગ્યા હતા. જોકે અકસ્માતની જાણ થતાંજ હાઇવે પેટ્રોલિંગની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ કાબુમાં લેવા એક તરફનો માર્ગ વાહનો માટે બંધ કરી દીધો હતો અને ગાંધીધામ તરફથી આવતા વાહનોને સર્વિસ રોડ પર ડાઈવર્ટ કરી દેવામાં આવ્યા હતા.