
ન્યૂયોર્ક: સ્કૂલના વિદ્યાર્થીઓની બીમારીનું અગાઉથી થશે નિદાન, વિદ્યાર્થીઓની સ્માર્ટ થર્મોમીટરથી થશે તપાસ
- ન્યૂયોર્કની સ્કૂલમાં હવે વિદ્યાર્થીઓની બીમારીનું અગાઉથી થશે નિદાન
- ન્યૂયોર્કમાં સ્કૂલમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની તપાસ હવે સ્માર્ટ થર્મોમીટરથી થશે
- ભારતીય મૂળના ઇન્દરસિંહની કંપની કિનસાએ આ થર્મોમીટરનું નિર્માણ કર્યું છે
નવી દિલ્હી: ન્યૂયોર્કમાં હવે સ્કૂલના વિદ્યાર્થીઓને બીમારીથી બચાવવા તેમજ બીમારીની ઓળખ અને ઝડપી સારવાર માટે સ્કૂલમાં વિદ્યાર્થીઓની તપાસ સ્માર્ટ થર્મોમીટરથી થશે. આ સ્માર્ટ થર્મોમીટર સતત ઇન્ટરનેટ સાથે જોડાયેલું રહેશે. જેથી બાળકોને તાવ કે બીજા લક્ષણો હશે તો તેનો રિયલ ટાઇમ ડેટા મળશે અને ઝડપથી ટેસ્ટ શક્ય બનશે. ભારતીય મૂળના ઇન્દરસિંહની કંપની કિનસાએ આ થર્મોમીટરનું નિર્માણ કર્યું છે.
આ અંગે ઇન્દરસિંહ કહે છે કે, આનો અર્થ એ નથી કે અમે સ્માર્ટ છીએ પણ અમારી પાસે સાચો અને બહેતર ડેટા હોય છે. કિનસા ન્યૂયોર્કની એલિમેન્ટરી સ્કૂલોને આવા 1 લાખ થર્મોમીટર આપવાની છે. તે માટે તેણે ન્યૂયોર્કના આરોગ્ય વિભાગ સાથે કરાર કર્યા છે.
આ અંગે ન્યૂયોર્કના મેયર બિલ ડી બ્લેસિયોના વરિષ્ઠ સ્વાસ્થ્ય સલાહકાર ડૉ. જય વર્માએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન આપણે જે અગત્યનો બોધપાઠ શીખ્યા છે તે એ છે કે કોઇ બીમારીનો રિયલ ટાઇમ અને ચોક્કસ ડેટા હોવો કેટલો આવશ્યક છે? પ્રથમ તબક્કો ગત મહિને શરૂ થયો છે. જે અંતર્ગત શહેરની 50 સ્કૂલમાં શિક્ષકો, કર્મચારીઓ તેમજ વાલીઓને 5 હજાર થર્મોમીટર નિ:શુલ્ક અપાઇ ચૂક્યા છે.
નોંધનીય છે કે, કોઇને થોડી અશક્તિ કે બીમારી હોય તેવું લાગે અને તે થર્મોમીટરનો ઉપયોગ કરે કે તરત થર્મોમીટર તે બીમાર હોવાનો સ્વાસ્થ્ય વિભાગને સંકેત મોકલશે.