
તેલંગાણાના CM એ નવી રાષ્ટ્રીય પાર્ટીની જાહેરાત કરી,TRS હવે ભારત રાષ્ટ્ર સમિતિ તરીકે ઓળખાશે
તેલંગાણા:બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મોટો ઝટકો લાગ્યો છે.હકીકતમાં, તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (KCR) એ વિજયાદશમીના અવસર પર તેમની પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિનું નામ બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) કરી દીધું છે.કેસીઆરના આ પગલાથી કાર્યકરોમાં ખુશીની લહેર છે અને મુખ્યમંત્રીના આ નિર્ણયને સૌએ આવકાર્યો છે.કેસીઆરનું પગલું ટીઆરએસના રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશવા અને ભાજપ સાથે અસરકારક રીતે વ્યવહાર કરવાના પક્ષના પ્રયાસોનો એક ભાગ હોવાનું માનવામાં આવે છે.
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે,પાર્ટીની સામાન્ય સભામાં આ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.પાર્ટીના અધ્યક્ષ અને મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે ઠરાવ વાંચ્યો અને જાહેરાત કરી કે,પાર્ટીની જનરલ બોડીની બેઠકમાં સર્વસંમતિથી TRS થી BRS નામ બદલવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. પોસ્ટર દ્વારા કેસીઆરને રાષ્ટ્રીય નેતા ગણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પાર્ટીનું નામ બદલ્યા બાદ હવે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો દેશભરમાં પ્રચાર કરવામાં આવશે.
કેસીઆરના આ નિર્ણયથી સીએમ નીતિશને એક રીતે પહેલો ફટકો લાગ્યો છે, કારણ કે તેઓ બધા વિપક્ષી પાર્ટીને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ કેસીઆરની મહત્વાકાંક્ષાએ તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું છે.આટલું જ નહીં, KCRના સમર્થકોએ હૈદરાબાદના રસ્તાઓ પર ‘દેશ કા નેતા KCR’ના નારા લગાવ્યા, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે, તેઓ મુખ્યમંત્રી નીતિશને સમર્થન આપવાના મૂડમાં નથી.