1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત યુનિ.ના 6 ફેકલ્ટીના ડીનની મુદત પૂર્ણ, પદવીદાનને લીધે ડીનને એક્સટેન્શનની શક્યતા

ગુજરાત યુનિ.ના 6 ફેકલ્ટીના ડીનની મુદત પૂર્ણ, પદવીદાનને લીધે ડીનને એક્સટેન્શનની શક્યતા

0
Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે બીજીબાજુ તમામ છ ફેકલ્ટીના ડીનની મુદત પૂરી થઇ ચૂકી છે. આ સ્થિતિમાં તાકીદે ડીનની ચૂંટણી કરવી પડે અથવા તો ડીનને એક્સટેન્શન આપવાની સત્તાવાર જાહેરાત કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. હાલની ટેકનિકલ સ્થિતિ એવી છે કે એકપણ ફેકલ્ટીમાં સત્તાવાર કોઇ ડીન ઉપલબ્ધ નથી. પરીક્ષા ચાલી રહી છે ત્યારે જો કોઇ વિવાદ-ઇસ્યૂ ઊભો થાય તો ડીન ન હોવાના કારણે અનેક સમસ્યા ઊભી થાય તેમ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં ડીનની ચૂંટણી માટે 16મી ડિસેમ્બર 2019ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. નિયમ પ્રમાણે જાહેરનામું બહાર પાડ્યાના ત્રણ વર્ષ 16 ડિસમ્બર 2022માં પૂરા થતાં હોવાથી આર્ટસ, કોમર્સ, સાયન્સ, એજ્યુકેશન, લૉ અને મેડિકલ સહિતની તમામ ફેકલ્ટીના ડીનની મુદત પૂરી થઇ ચૂકી છે.  નિયમ પ્રમાણે ડીનની મુદત પૂરી થાય તે પહેલાં ચૂંટણીની જાહેરાત કરી દેવાતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા સહિતના કારણે યુનિવર્સિટી દ્વારા આ પ્રક્રિયા કરવામાં આવી નથી. હવે આગામી જાન્યુઆરીમાં પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પદવીદાન સમારંભમાં ડીન દ્વારા પદવી એનાયત કરવા માટેની દરખાસ્ત કરવામાં આવતી હોય છે. હાલમાં ડીનની મુદત પૂરી થતાં હવે ટેકનિકલ રીતે હયાત ડીન વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવાની દરખાસ્ત કરી શકે તેમ નથી. ત્યારે હાલ વર્તમાન ડીન છે તેમને ચાલુ રાખવાની પણ સત્તાવાર જાહેરાત કરવી પડશે. જોકે, યુનિવર્સિટી દ્વારા હજુ સુધી આવી કોઇ કાર્યવાહી પણ કરવામાં આવી નથી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો.જશવંત ઠક્કર વયમર્યાદાના કારણે નિવૃત્ત થઇ ચુક્યા છે. હવે અન્ય ડીનને ઇન્ચાર્જ તરીકે ચાલુ રાખવામાં આવે તો પણ કોમર્સમાં અન્ય કોઇપણ પ્રોફેસરને ડીનનો સત્તાવાર ચાર્જ આપવાની જાહેરાત કરવી પડે તેમ છે.  હાલની સ્થિતિ એવી છે કે, એકપણ ફેકલ્ટીમાં કોઇ સત્તાવાર ડીન નથી. યુનિવર્સિટીમાં પરીક્ષા ચાલી રહી છે આ સ્થિતિમાં વિદ્યાર્થીલક્ષી કોઇ ઇસ્યુ ઊભો થાય તો તેના માટે નિર્ણય કોણ  કરે તેની સમસ્યા ઊભી થાય તેમ છે. અન્ય ફેકલ્ટીમાં જે ડીન છે તેમની કામગીરી અન્ય ડીનની નિયુક્તિ ન થાય ત્યાંસુધી ચાલુ રાખવામાં આવે તો પણ કોમર્સ ફેકલ્ટીમાં તાકીદે જાહેરાત કરવામાં ન આવે તો અનેક સમસ્યા ઊભી થાય તેમ છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code