
ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના અમલમાં મુકી છે. જેમાં 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારની આ નીતિને કારણે વિદ્યાસહાયકો કે શિક્ષણ સહાયકોની ભરતી ન કરાતા વર્ષોથી નોકરીની રાહ જોઈ રહેલા ટેટ અને ટાટ (ટીચર એલિઝિબિટી ટેસ્ટ) પાસ કરેલા હજારોની સંખ્યામાં ઉમેદવારોના અરમાનો પર પાણી ફરી વળ્યુ છે. જ્ઞાન સહાયક યોજનાના કારણે ટેટ – ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોનું ભાવિ અંધકારમય બની જવાની દહેશતથી સમગ્ર ગુજરાતમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે. ત્યારે ગાંધીનગર ખાતે જ્ઞાન સહાયક યોજનાના વિરોધ તેમજ કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ટેટ – ટાટ પાસ ઉમેદવારોએ ધરણા પ્રદર્શન યોજ્યા હતા. જેનાં પગલે અગાઉથી ગોઠવાયેલી પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને પણ અટકાયત કરી લેવામાં આવી હતી.
ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સહાયકોને 11 મહિનાના કરાર આધારિત ફિક્સ પગારમાં નોકરી પર લેવામાં આવી રહ્યા છે. જેના લીધે વિદ્યા સહાયકો કે શિક્ષણ સહાયકોની નોકરી માટે રાહ જોઈ રહેલા ટાટ અને ટેટ પાસ કરેલા ઉમેદવારોને હવે શિક્ષકની કાયમી નોકરી મળશે નહીં એવું લાગી રહ્યું છે. આથી જ્ઞાન સહાયકોની ભરતીનો ટાટ અને ટેટ પાસ ઉમેદવારો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમની માંગ છે કે સરકાર દ્વારા કાયમી ભરતી કરવી જોઈએ. પરંતુ આજદિન સુધી વારંવાર રજૂઆતો કર્યા છતાયે સરકારના પેટનું પાણી હલતું નથી.
ટાટ અને ટેટ પાસ કરેલા ઉમેદવારોના કહેવા મુજબ જ્ઞાન સહાયકોને કરાર આધારિત 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર લેવામાં આવી રહ્યા છે. અમે સરકારી નોકરીનું સપનું જોઈને બેઠા છીએ. અમને આ જ્ઞાન સહાયક યોજના લોલીપોપ લાગી રહી છે. જેના વિરોધમાં ગાંધીનગરમાં એકઠા થઈ ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યા હતા.ગુજરાતના બાળકોના શિક્ષણના વિશાળ હિત અને હજારો ટેટ ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોના હિતમાં કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ વહેલામાં વહેલી તકે કાયમી શિક્ષકોને ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે. રાજય શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના બહાર પાડવામાં આવી છે. જેમાં જ્ઞાન સહાયકની 11 માસના 26 હજાર 500 પગાર કરાર આધારિત ભરતી કરવામાં આવે છે. જેના કારણે અગાઉ ટેટ ટાટ પાસ કરેલ વિધાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. આ જ્ઞાન સહાયક યોજના અમલમાં આવશે તો કેટલાય વર્ષોથી રાત દિવસ મહેનત કરીને ટેટ ટાટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોનું સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઇ જશે અને તેમનું ભાવિ અંધકારમય બની જવાની સંભાવના છે.
વધુમાં ઉમેદવારોએ ઉમેર્યું હતું કે, તાજેતરમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના અંતર્ગત 11 માસના કરાર આધારિત ભરતી કરવામાં આવશે તેવો ગેર વ્યાજબી નિર્ણય લેવામાં આવ્યો છે. જેની સીધી અસર ગુજરાતના બાળકોના શિક્ષણ અને રાજયના વર્તમાન ટેટ-ટાટ પાસ બેરોજગાર ઉમેદવારો પર થશે. આથી આ યોજના બંધ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવાની સરકાર પાસે માંગ છે. ત્યારે પોલીસ દ્વારા પ્રદર્શનકારી ઉમેદવારોની ટીંગાટોળી કરીને પણ અટકાયત કરી લેવામાં આવી હતી.