
ભરૂચથી ખરોડ સુધીના 15 કિમીના બિસ્માર હાઈ-વેને કારણે વાહનોની લાંબી લાઈનો લાગે છે
ભરૂચઃ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે વરસાદને પગલે ધોવાતા ભરૂચથી ખરોડ ચોકડી સુધી એક તરફનો હાઈ-વે ખૂબજ ઉબડ-ખાબડ બનતા વારેવાર ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે. અને વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ભરૂચથી સુરત તરફનો હાઈવે 15થી વધુ કિલોમીટર સુધી જામ જોવા મળ્યો હતો.
ભરૂચથી ખેરોડ ચોકડી સુધીનો નેશનલ હાઈવે બિસ્માર બની ગયો હોવાથી વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. જેને પગલે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ ખાબકતા જ હાઈવે બિસ્માર બની ગયો છે. ઉપરાંત ખરોડ ચોકડી ઉપર બની રહેલા ઓવર બ્રિજનો સર્વિસ રોડ વરસાદને કારણે ધોવાતા મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય વધતા વાહન ચાલકોને ખુબ મુશ્કેલી ભોગવવી પડી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રવિવારે મોડી રાતથી અંકલેશ્વરની ખરોડ ચોકડી પર ખાડાઓને પગલે ભરૂચથી ખરોડ સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો, જેના પગલે ભરૂચથી સુરત તરફના ટ્રેક ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. વાહન ચાલકો 15 કિલોમીટર સુધીના ટ્રાફિક જામમાં ફસાયા હતા. જેથી હેરાન પરેશાન બન્યા હતા. હાઇવે ઉપર ખાડાઓનું સામ્રાજ્ય વધતા જ એક વાર ફરી ટ્રાફિકે હાઇવેને બાનમાં લીધો હતો.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે. નેશનલ હાઈવે પર ટોલટેક્સ ઉઘરાવવામાં આવે છે. પણ યોગ્યરીતે હાઈવેની મરામત કરવામાં આવતી નથી. હાઈવે પર રોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. હાઈવે પર ઊંડા ખાડાને કારણે વાહનો ફરજિયાત ધીમા ચલાવવાની ફરજ પડી રહી છે. તેના લીધે ટ્રકોમાં ડીઝલનો વપરાશ પણ વધુ થાય છે. તેમજ ટ્રકચાલકો પણ પરેશાન બની રહ્યા છે.