1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના રાજભવનમાં ગોવાના 36મા સ્થાપના દિનની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ
ગુજરાતના રાજભવનમાં ગોવાના 36મા સ્થાપના દિનની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ

ગુજરાતના રાજભવનમાં ગોવાના 36મા સ્થાપના દિનની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત રાજભવનમાં ગોવાના 36માં સ્થાપના દિવસની ઉજવણી ઉમંગ-ઉલ્લાસપૂર્વક કરવામાં આવી હતી. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ ગોવાના નાગરિકોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું હતું કે, ભારતમાં ભાષા, સંસ્કૃતિ અને રિતી-રિવાજો ભિન્ન છે, છતાં આપણે એક છીએ. એ આપણા મજબૂત લોકતંત્ર તથા ભારતીયોના હૃદયની વિશાળતા અને ઉદારતાને આભારી છે. સરદાર વલ્લભભાઈ પટેલે અનેક રજવાડાઓને વિલીન કરીને ‘એક ભારત’ બનાવ્યું. પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી ચોમેર વિકાસથી ‘શ્રેષ્ઠ ભારત’ બનાવવા સતત પ્રયત્નશીલ છે. તેમણે ભારતને વિશ્વગુરુ બનાવવાના પ્રધાનમંત્રીના પ્રયત્નોમાં તાકાત બનવા, પોતપોતાના કર્તવ્યનું પ્રમાણિકતાપૂર્વક પાલન કરવા અનુરોધ કર્યો હતો.

રાજભવનમાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાથે ઉજવાયેલા ગોવા સ્થાપના દિવસમાં ગુજરાતમાં સ્થાયી થયેલા ગોવાના નાગરિકો અને ગોવાથી પધારેલા કલાકારોની ઉપસ્થિતિમાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભારતે ક્યારેય કોઈ રાષ્ટ્ર પર આક્રમણ નથી કર્યું કે, ક્યારેય કોઈ રાષ્ટ્રની સમૃદ્ધિ હડપવાના પ્રયત્નો નથી કર્યો, એથી ઊલટું, ભારતે પોતાના જ્ઞાન, સંસ્કાર અને અધ્યાત્મનો લાભ અનેક રાષ્ટ્રોને આપ્યો છે. એટલું જ નહીં, વિશ્વમાં ભાઈચારો વિકસે, માનવીય ગુણોમાં વૃદ્ધિ થાય એ હેતુથી આખા વિશ્વને પરિવાર ગણ્યો છે. તેમણે કહ્યું કે, “અયં નિજ: પરોવેતિ ગણના લઘુચેતસામ્, ઉદારચરિતાનાં તુ વસુધૈવકુટુંબકમ્.” નું ચિંતન ભારતે આખા વિશ્વને આપ્યું. આવી ઉદારતા ભારતીય સંસ્કૃતિના મૂળ વિચારમાં છે.

ગોવા પર પોર્ટુગીઝ શાસકોએ આક્રમણ કર્યું. ભારતીય સેનાએ ‘ઓપરેશન વિજય’ દ્વારા ગોવાને પોર્ટુગીઝ આધિપત્યમાંથી મુક્ત કરાવ્યું. એ ઇતિહાસનો સંદર્ભ આપતાં રાજ્યપાલે  કહ્યું કે, ભારત મૂળભૂત રીતે જ સમૃદ્ધ છે એટલે જ અનેક પ્રજાએ ભારત પર આક્રમણો કર્યા. ભારતના વૈભવથી આકર્ષાઈને અનેક આક્રમણો થયા, પરંતુ ભારતીયોએ ઉદારતાથી સૌને આવકાર્યા અને સ્વીકાર્યા. જ્યારે આક્રમણકર્તાઓએ દમન ગુજાર્યો ત્યારે ભારતીયોએ ક્રાંતિ કરી. તારીખ 30 મે, 1987 એ અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલું ગોવા ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય છે, છતાં ગોવાએ અત્યારે જે પ્રગતિ કરી છે તેની પ્રશંસા કરતાં રાજ્યપાલે ગોવાના વિકાસમાં સહભાગી થવા સૌને અનુરોધ કરીને ગોવાના નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી.

રાજભવનમાં ગોવા સ્થાપના દિવસની ઉજવણીમાં ગોવાથી પધારેલા લોકકલાકારોએ ધનગર નૃત્ય, દેખણી ડાન્સ અને લેમ્પ ડાન્સની પ્રસ્તુતિ કરી હતી. ગુજરાતના કલાકારો અને ગોવાના કલાકારોએ સાથે મળીને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ગ્રાન્ડ ફિનાલેની પ્રસ્તુતિ કરી હતી. આ પ્રસંગે ગોવા મુક્તિ સંગ્રામ અને ગોવાના વર્તમાન વિકાસની ઝાંખી કરાવતી ફિલ્મોનું નિદર્શન પણ યોજાયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બંને રાજ્યોના કલાકારોનું સન્માન કર્યું હતું.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code