
ગુજરાતના જાણીતા કવિ વિનોદ જોશીના પ્રબંધકાવ્ય ‘સૈરન્ધ્રી’ને સર્વશ્રેષ્ઠ સાહિત્યકૃતિનો એવોર્ડ જાહેર
દિલ્હી: સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા ભારતીય ભાષાઓમાં પ્રતિવર્ષ અપાતો સર્વશ્રેષ્ઠ સાહિત્યકૃતિનો એવોર્ડ વર્ષ 2023 માટે ગુજરાતી ભાષામાં કવિ વિનોદ જોશીના પ્રબંધકાવ્ય ‘સૈરન્ધ્રી’ને આપવાનો નિર્ણય જાહેર થયો છે. એમની આ વિખ્યાત કૃતિને અગાઉ પણ ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ, ગુજરાતી સાહિત્ય પરિષદ પારિતોષિક, ભારતીય વિદ્યાભવનનો સમર્પણ પુરસ્કાર અને નર્મદ સુવર્ણચંદ્રક મળી ચૂક્યાં છે.
વિનોદ જોશી અનુઆધુનિક ગુજરાતી કવિતાના શિરમોર કવિ છે. મહાભારત પર આધારિત એમની આ કૃતિમાં અજ્ઞાતવાસ દરમિયાન દાસી બનતી દ્રૌપદીના મનોવલણોનું વિશિષ્ટ કાવ્યાત્મક આલેખન થયું છે જેને અનુલક્ષીને ભારતીય સાહિત્યમાં તેને નોંધપાત્ર કૃતિ ગણવામાં આવી છે. આ કૃતિનો હિન્દી અને ઓડિયા ભાષામાં અનુવાદ પ્રગટ થયો છે. આ ઉપરાંત હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, તેલુગુ, મૈથિલી, તમિલ, કન્નડ વગેરે ભાષાઓમાં તેનો અનુવાદ પુસ્તકરૂપે પ્રગટ થવામાં છે.
આ એવોર્ડ ભારતીય ભાષાઓમાં અપાતો પ્રતિષ્ઠિત એવોર્ડ છે જેમાં રૂપિયા એક લાખની રાશિ ઉપરાંત કાસ્કેટ અને શાલનો સમાવેશ થાય છે. આગામી ૧૨ માર્ચે દિલ્હી ખાતે યોજાનાર એક ભવ્ય સમારંભમાં શ્રી વિનોદ જોશીને આ એવોર્ડ અર્પણ કરવામાં આવશે. વિનોદ જોશી ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ગુજરાતી અનુસ્નાતક ભવનના વડા તેમજ આર્ટ્સ ફેકલ્ટીના ડીન અને કુલપતિ તરીકે સેવાઓ આપી નિવૃત્ત થયા છે.
વિનોદ જોશીની મુખ્ય ઓળખ કવિ તરીકેની છે પરંતુ તેઓ ગુજરાતી સાહિત્યના નોંધપાત્ર વિવેચક પણ છે. વિનોદ જોશીચાલીસ જેટલાં પુસ્તકો પ્રગટ થયાં છે. એમને ગુજરાતી કવિતાના સર્વશ્રેષ્ઠ ગણાતા નરસિંહ મહેતા એવોર્ડથી તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીના સાહિત્યગૌરવ પુરસ્કારથી અને અન્ય અનેક પારિતોષિકોથી સન્માનવામાં આવ્યા છે. એમનાં અસંખ્ય ગીતોને ગુજરાતી સુગમ સંગીતના કલાકારોએ સ્વરબદ્ધ કરી ગાયાં છે. આજના સમયના અગ્રણી ઊર્મિકવિ તરીકે સાહિત્યક્ષેત્રે વિનોદ જોશીની ગણના થાય છે.