1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ગ્રીન બિલ્ડિંગ અને તેનાં ઝીરો ડિસ્ચાર્જ વ્યવસ્થા વિકસેલી છે: ભુપેન્દ્ર પટેલ
ગુજરાતમાં ગ્રીન બિલ્ડિંગ અને તેનાં ઝીરો ડિસ્ચાર્જ વ્યવસ્થા વિકસેલી છે: ભુપેન્દ્ર પટેલ

ગુજરાતમાં ગ્રીન બિલ્ડિંગ અને તેનાં ઝીરો ડિસ્ચાર્જ વ્યવસ્થા વિકસેલી છે: ભુપેન્દ્ર પટેલ

0
Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાત નેટ ઝીરો તરફ મક્કમ ગતિએ આગળ વધી રહ્યુ છે. ગુજરાતમાં ગ્રીન બિલ્ડિંગ અને તેનાં ઝીરો ડિસ્ચાર્જ વ્યવસ્થા વિકસેલી છે. વડાપ્રધાનશ્રીએ પાણીને પરમેશ્વરનો પ્રસાદ માનીને વિવેકપૂર્ણ ઉપયોગ માટે આપેલી શીખને અનુસરતા હવે નેટ ઝીરો વોટર ઇનબિલ્ટ એન્વાયરમેન્ટતરફ આગળ વધવું છે. 

મુખ્યમંત્રીએ અમદાવાદમાં 29મી ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો. આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં થનારી ચર્ચા-તારણો સરકાર માટે ઉપયોગી બનશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દર્શાવ્યો હતો. તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાનએ મિશન લાઇફ દ્વારા આપણા રોજબરોજના જીવનમાં પણ પાણી, વીજળી બચાવવા અને પર્યાવરણ જાળવણી સાથેની જીવનશૈલી અપનાવવાનો કોન્સેપ્ટ આપ્યો છે. તાજેતરમાં વડાપ્રધાનના હસ્તે સુરતમાં ખુલ્લું મુકવામાં આવેલું ડાયમંડ બુર્સનું વર્લ્ડક્લાસ બિલ્ડિંગ પણ ઝીરો ડિસ્ચાર્જ ટેક્નિકનું ઉત્તમ ઉદાહરણ છે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિથી ગુજરાતે તો ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે આયોજન, G20ની સફળતા, રણ પ્રદેશના ધોરડો જેવા નાના ગામને વર્લ્ડ બેસ્ટ ટૂરિઝમ વિલેજ બનાવવા જેવી સિધ્ધીઓ મેળવેલી છે. દુનિયાના વિકસિત દેશો પણ આજે ભારતની ક્ષમતા અને સામર્થ્યની નોંધ લે છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિઝનરી લીડરશિપવાળી એક વ્યક્તિ કેવા મોટાં બદલાવ લાવી શકે તે વડાપ્રધાન નરેન્દ્રભાઇએ બતાવ્યું છે.

ભૂપેન્દ્ર પટેલે પાણીનું એક પણ ટીપું વ્યય ન થાય અને ઉપલબ્ધ પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ થાય તેને બિલ્ડર્સ, ઉદ્યોગકારો, પ્લમ્બિંગ સેક્ટર સાથે સંકળાયેલા વેપારીઓ સૌની સહિયારી જવાબદારી ગણાવી હતી. તેમણે કહ્યું કે, નળમાંથી ટપકતા એક એક ટીપાને અટકાવીને વર્ષે દિવસે હજારો લીટર પાણી બચાવી શકાય છે.

આ અવસરે સહકાર અને લઘુ-સુક્ષ્મ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આજે ગુજરાત વરસાદી પાણીના બચાવ અને જળસંચય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે તેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. તેમણે કહ્યું કે, વિશ્વના ત્રણ દેશોમાં જ ક્લાઈમેટ ચેન્જ વિભાગ કાર્યરત હતા, એવા સમયમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આલાયદો ક્લાઈમેટ ચેન્જ વિભાગ શરૂ કર્યો. 

તેમણે કહ્યું કે વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યો ત્યારે દેશમાં લોકોના ઘરોમાં માત્ર 14% પાણીની લાઈનોના કનેક્શન હતા, પરંતુ તેમના સફળ નેતૃત્ત્વ હેઠળ આજે ગુજરાત અને ભારતમાં મોટા ભાગના લોકોના ઘરોમાં પાણીની લાઈનોના કનેક્શનો પહોંચાડાયા છે. આ ઉપરાંત ગુજરાતમાં તળાવોને ઇન્ટરલીન્ક કરવાનું કામ ચાલી રહ્યું છે. મંત્રીએ આઈ.ટી.આઈ જેવી સંસ્થાઓમાં વોટર પ્લમ્બિંગનો કોર્સ શરૂ કરવાનું સૂચન પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, નેશનલ પ્લમ્બિંગ કોન્ફરન્સમાં અહીંયા જે પણ એન્જિનિયર અને મહાનુભાવો ઉપસ્થિત છે તે તમામ આ ક્ષેત્રમાં નિષ્ણાત છે. પાણી બચાવવા અને અને ભવિષ્યમાં લોકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે તેમના સાર્થક પ્રયત્નો બદલ શુભેચ્છાઓ પાઠવું છું. 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code