
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો હતો. હવે આજે નાતાલ બાદ કાલથી ઠંડીમાં ક્રમશઃ વધારો થશે. ઉત્તર-પૂર્વના ફુકાતા ઠંડા પવનો લોકોને ધ્રુજાવશે. 31મી ડિસેમ્બર બાદ 2024ના વર્ષના પ્રથમ પખવાડિયામાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે જશે. અસહ્ય ઠંડીથી જનજીવન પર અસર પડવાની શક્યતા છે.
ગુજરાતમાં છેલ્લાં છ દિવસથી ઠંડા પવનને લીધે લઘિત્તમ તારમાનમાં સામાન્ય ધટાડો થયો છે. હાલ ઉત્તર-પૂર્વના ઠંડા પવનો ફુંકાય રહ્યા છે. ઉત્તર ભારતના પર્વતમાળામાં હીમ વર્ષાને કારણે ગુજરાતમાં પણ ઠંડીમાં વધારો થશે. આજે 25 ડિસેમ્બરને નાતાલ બાદ તા. 26મીથી રાત્રિનું તાપમાન ગગડીને 12 ડિગ્રી પહોંચવાની શકયતા છે. આ વર્ષે ડિસેમ્બર પૂરો થવાને અઠવાડિયું બાકી છે તેમ છતાં ઠંડીનો પારો 13 ડિગ્રીથી નીચે ગયો નથી. ગત અઠવાડિયા દરમિયાન માત્ર એક દિવસ ઠંડીનો પારો 13.8 ડિગ્રી નોંધાયો હતો. ત્યારબાદ ઠંડીનો પારો 15.8 ડિગ્રીથી નીચે ગયો નથી. જો કે, ગત સોમવારથી ગુરુવાર સુધી શહેરમાં ફૂંકાયેલા 10થી 15 કિલોમીટરની ગતિના ઠંડા પવનો અને વાદળિયા વાતાવરણની અસરથી ઠંડીનું મોજુ ફરી વળતાં મહત્તમ તાપમાન ગગડ્યું હતું. શુક્રવારથી ફરીથી મહત્તમ તાપમાન વધતાં ઠંડકમાં ઘટાડો થયો છે. પરંતુ, આગામી 25 ડિસેમ્બર બાદ રાજ્યમાં ત્રણ દિવસ ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા હોવાથી ડિસેમ્બર મહિનાની કાતિલ ઠંડીનો અનુભવ છે. ત્યારબાદ જાન્યુઆરીના પ્રથમ પખવાડિયામાં લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. એટલે કે લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે જશે. તેવી શક્યતા છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આવતી કાલે 26 ડિસેમ્બરથી ત્રણ દિવસ અમદાવાદમાં 5થી 10 કિમીની ઝડપના ઉત્તર-પૂર્વના ઠંડા પવનો શરૂ થશે, પરંતુ, સાંજ પડતાં ઠંડા પવનોની ગતિ ઘટશે, જેને કારણે રાત્રિનું તાપમાન ગગડશે. જયારે પવનની ઝડપ વધુ હોય ત્યારે વાતાવરણમાં રહેલી ઠંડક જમીન સુધી પહોંચતા વિખરાઇ જાય છે. પરંતુ, જયારે પવનની ગતિ ઓછી હોય ત્યારે વાતાવરણમાં રહેલી ઠંડક સીધી જમીન સુધી આવતી હોય છે.