 
                                    નવસારી જિલ્લામાં 114 આંગણવાડીઓની હાલત જર્જરિત, ઠંડીમાં બાળકોને શેડમાં બેસાડવા પડે છે
નવસારીઃ ગુજરાતમાં અનેક વિસ્તારો એવા છે.કે, જ્યાં શાળાના પુરતા ઓરડા ન હોવાથી બાળકોને ખૂલ્લા મેદાનમાં બેસીને ભણવાની ફરજ પડી રહી છે.જેમાં નવસારી જિલ્લાના નાના ભૂલકાઓને આજે પણ સુવિધાના અભાવમાં અભ્યાસ કરવો પડે એવી સ્થિતિ છે. જિલ્લામાં એક બે નહીં પણ 114 આંગણવાડીઓ જર્જરિત છે, તો કેટલીક આંગણવાડીઓને તોડી પણ પડાઇ છે. આ આંગણવાડીઓ તોડી પડાતા ભુલકાઓ ઉપરથી છત જ જતી રહી છે. કારણ કે, ગ્રાન્ટ ન મળતાં નવા ઓરડાઓ બન્યા જ નથી. જેથી આવી કડકડતી ઠંડીમાં બાળકોને ખુલ્લા મેદાનમાં કે શેડમાં બેસીને શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ નવસારી જિલ્લાના 6 તાલુકાઓમાં કુલ 1330 આંગણવાડીઓ કાર્યરત છે. જેમાંથી 10 ટકા એટલે 114 આંગણવાડીઓ જર્જરિત છે, જેમાં ઘણી જર્જરિત આંગણવાડીઓને ICDS વિભાગ દ્વારા તોડી નાંખવાની મંજૂરી આપી હતી. આ આંગણવાડીઓમાંથી ઘણી મનરેગા અને ICDSની સંયુક્ત ગ્રાન્ટમાંથી બનાવવાની હતી, પરંતુ મનરેગાની ગ્રાન્ટ ન મળતા આંગણવાડીઓના નવા મકાનની આશા નિરાશામાં ફેરવાઈ છે. વાંસદા તાલુકામાં 24થી વધુ જર્જરિત આંગણવાડીઓને તોડવાની મંજૂરી મળતા તોડી નાંખવામાં આવી હતી. જેના કારણે નાના ભૂલકાઓને કોઈકના ઓટલા પર, ખુલ્લા શેડમાં, આંગણવાડી વર્કરોના ઘરે અથવા દાતાના ઘરે બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે. કડકડતી ઠંડીમાં પણ નાના ભૂલકાઓ મુશ્કેલી વેઠીને આંગણવાડીમાં આવે છે, પરંતુ એમની વેદના કોઇ સાંભળતું નથી.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, વાંસદાના મોળાઆંબા ગામે નિશાળ ફળિયાની આંગણવાડીની દીવાલોમાં મસમોટી તિરાડો પડી ગઇ છે, જેના પતરા પણ તૂટી ગયા છે. જેથી ગ્રામ પંચાયતે પશુ દવાખાનામાં આંગણવાડી ચલાવવાની મંજૂરી આપી છે, જ્યારે પશુ ચિકિત્સકને પંચાયતના મકાનમાં જગ્યા ફાળવી છે, પરંતુ સાંકડી જગ્યામાં 30 બાળકોને ભાણાવવુ આંગણવાડી વર્કરોને મુશ્કેલ થઈ પડે છે.
આ ઉપરાંત મોળાઆંબા ગામના ટાંકી ફળિયાની આંગણવાડી પણ જર્જરિત હાલતમાં હોવાથી નજીકની પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના ખુલ્લા શેડમાં બાળકોને બેસાડી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પર્વતિય વિસ્તાર હોવાથી અહીં ઠંડી વધુ રહે છે, ત્યારે બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા સાથે પતરાના શેડમાં પહોંચવા પણ મુશ્કેલી વેઠી રહ્યા છે. બીજી તરફ નવસારીના આસુંદર રબારીવાસમાં ચાલતી આંગણવાડીના બાળકો કડકડતી ઠંડીમાં ઓટલા પર બેસીને અભ્યાસ કરે છે. 11 વર્ષથી અહીં આંગણવાડી ફાળવાઈ છે, પણ મકાન બન્યુ નથી. આમ નવસારી જિલ્લામાં આ પ્રકારે એક બે નહીં પણ 114 આંગણવાડીઓ જર્જરિત છે, જેમાં ઘણી આંગણવાડીના મકાનો નવા મંજૂર થશે એવી આશાએ તોડી પડાયા છે પણ સરકારી ગ્રાન્ટ ન મળતા નવા મકાનો બન્યા નથી.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

