
માણસાના કોંગ્રેસના ધારાસભ્યએ નાદુરસ્ત તબિયતને કારણે ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત કરયા બાદ તમામ રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગીની કવાયત કરી રહ્યા છે. આ વખતે ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. આમઆદમી પાર્ટીએ તો મોટાભાગની બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા પણ પ્રથમ તબક્કાની ચૂંટણીના નામો જાહેર કરાયા છે. જ્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીની આખરી કવાયત ચાલી રહી છે. ઉમેદવારો પણ ટિકિટ મેળવવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના જ એક ધારાસભ્યએ ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી છે. કોંગ્રેસના માણસાના ધારાસભ્ય સુરેશ પટેલે પોતાની નાદુરસ્ત તબીયતને લીધે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. જોકે કોંગ્રેસનું મોવડી મંડળ સુરેશ પટેલને સમજાવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનું વર્ચસ્વ સારૂએવું છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત ચાલી હી છે, ત્યારે માણસાના કોંગ્રેસના ધારાસભ્યએ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ધારાસભ્યને મનાવવા કામે લગાડી દેવામાં આવ્યા છે. કોંગ્રેસની પરિવર્તન યાત્રા દરમિયાન ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યુ હતું.
કોંગ્રેસની પરિવર્તન યાત્રા દરમિયાન ધારાસભ્ય બળદેવજી ઠાકોરે જણાવ્યું છે કે, માણસાના ધારાસભ્ય સુરેશ પટેલ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. નાદૂરૂસ્ત તબિયતના કારણે સુરેશ પટેલ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી સુરેશભાઈ પટેલને ચૂંટણી લડવા વિનંતી કરી રહ્યા છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે તે ચૂંટણી લડવા માની જાય. માણસમાંથી પંજો જીતવો જોઈએ તે આપણે યાદ રાખવાનું છે. તેમણે ઉમેર્યું હતું કે, ભગવાનને પ્રાર્થના કરીએ કે તે ચૂંટણી લડવા માની જાય. માણસમાંથી પંજો જીતવો જોઈએ તે આપણે યાદ રાખવાનું છે.