
નવી દિલ્હી : ભારતનાં સંપૂર્ણતઃ સ્વનિર્મિત લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ ‘તેજસ’ દેશના સંરક્ષણ માટે તો અત્યંત ઉપયોગી છે જ પરંતુ હવે અનેક દેશો તેની માંગણી કરી રહ્યાં છે. જેના પરિણામે તેનું ઉત્પાદન ઝડપી કરવાની સાથે ઉત્પાદન વધારવાનો નિર્ણય લેવાયો છે. આ વિમાન ચીનના JF-17, કોરિયાના HF-50, રશિયાના MiG-35 અને YAK-13 ને પણ ટક્કર મારે તેવુ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં યુદ્ધ વિમાન ઉત્પાદન કરનારી ભારત સરકાર હસ્તકની કંપની HAL (હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ)ના જણાવ્યા પ્રમાણે અત્યારે દર વર્ષે આઠ જ એરક્રાફ્ટ બનાવામાં આવે છે. પરંતુ વિદેશોમાંથી પણ તેની માંગ વધતાં ઉત્પાદનની પ્રક્રિયા ઝડપી બનાવાઈ છે. મલેશિયાએ આ 18 વિમાનોનો ઓર્ડર આપ્યો છે. આ ઉપરાંત અન્ય દેશોએ પણ આ વિમાન ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જેમાં આર્જેન્ટીના, ઈજીપ્ત અને ફીલીપાઈન્સ જેવા દેશનો સમાવેશ થાય છે. અમેરિકાએ પણ તેજસ એરક્રાફ્ટની ખરીદી માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે એક વર્ષમાં આવા 16 વિમાનો તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ભારતીય એરફોર્સને પણ ‘માર્ક-15’ ફાઈટર જેટસ અને 10 ટ્રેનર વિમાનોની જરૂર છે. વર્ષ 2024 સુધીમાં આવા 72 વિમાનો એરફોર્સને આપવાનો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડએ લક્ષ્યાંક રાખ્યો છે. દરમિયાન અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, ઓર્ડર વધારે મળશે તો આગામી દિવસોમાં ઉત્પાદન રેટ વધારીને 24 કરવામાં આવશે. તેજસની કિંમત અન્ય દેશોના એરક્રાફ્ટની સરખામણીએ ઓછી છે. એટલું જ નહીં ઘણું નાનું હોવાથી શત્રુના રડારની પકડમાં જલ્દી નથી આવતું. વળી તેની કોકપીટ ઉપર સંપૂર્ણતઃ કાચ જ ઢંકાયેલો હોવાથી ચારે બાજુ જોવામાં સરળતા રહે, જેથી દુનિયાના વિવિધ દેશોની પંસદગી તેજસ બની રહ્યું છે.