1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સી-પ્લેન ફરી શરૂ કરવા સરકારે ટેન્ડર ઈસ્યુ કર્યા, ત્રણ કંપનીઓ વચ્ચે હરિફાઈ
સી-પ્લેન ફરી શરૂ કરવા સરકારે ટેન્ડર ઈસ્યુ કર્યા, ત્રણ કંપનીઓ વચ્ચે હરિફાઈ

સી-પ્લેન ફરી શરૂ કરવા સરકારે ટેન્ડર ઈસ્યુ કર્યા, ત્રણ કંપનીઓ વચ્ચે હરિફાઈ

0
Social Share

ગાંધીનગરઃ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સરદાર સરોવર સુધી સી-પ્લેનની સેવા ઓશરૂ કરવામાં આવી હતી, જોકે વારેવાર સી-પ્લેનને મેઈન્ટેનન્સ માટે માલદીવ મોકલવું પડતું હોવાથી સી-પ્લેન સેવા અનિયમિત બનતા તેનું બાળમરણ થયું હતું હવે સરકારે ફરીવાર સી-પ્લેન  માટે ટેન્ડર જારી કર્યા છે. કેન્દ્ર દ્વારા સ્ટેટ એવિએશન વિભાગને સી-પ્લેન પ્રોજેક્ટ સોંપાયા બાદ બહાર પાડેલાં ટેન્ડરમાં રાજ્યની બે અને મુંબઈની એક કંપનીઓ ભાગ લઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. સી-પ્લેન સર્વિસની ત્રણ વર્ષની કામગીરી માટે અનુભવી કંપનીને પ્રાયોરિટી આપવામાં આવશે જેથી સી-પ્લેન સર્વિસ જલ્દીથી પુનઃ શરૂ શકાય એમ ઍરપોર્ટના સૂત્રોએ જણાવ્યુ હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની ‘ઉડાન’સેવા અંતર્ગત રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ઓક્ટોબર 2020માં સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી. જેમાં 19 પેસેન્જરની બેઠક સાથેના પ્લેનની દૈનિક 4 ફ્લાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું.  સી-પ્લેન સેવા શરૂ થયા બાદ એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામીને કારણે રીપેરીંગ માટે માલદીવ મોકલ્યું હતું. ત્યારથી જ  સી-પ્લેન સેવા પુનઃ શરૂ થવા અંગે શંકા-કુશંકા સેવાઈ રહી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સી-પ્લેન સેવાના ઓપરેટર સ્પાઈસ જેટ તરફથી કોઈ યોગ્ય પ્રત્યુત્તર ન મળતાં છેવટે આ સેવા રાજ્ય સરકારને સોંપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તરફથી સી-પ્લેન સેવાની કામગીરી રાજ્યને સોંપાયા બાદ આ સેવા ઝડપથી પુનઃ લાંબા સમય માટે શરૂ કરવાનો રાજ્ય સરકારનો આશય છે. આથી સી-પ્લેન સેવા માટે અનુભવી અને સક્ષમ એવિએશન કંપનીઓ માટે ટેન્ડર બહાર પાડ્યું છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, હાલમાં સી-પ્લેન સેવાની સંચાલન કામગીરી માટે ત્રણ કંપનીએ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધો છે. જેમાં મુંબઈની મેર એર, તથા  સુરતની વેન્ચુરા સહિત એક અન્ય સ્થાનિક એવિએશન કંપનીએ સી-પ્લેન સેવા માટે ટેન્ડર ભર્યા છે. પ્રાથમિક ધોરણે આ ત્રણેય કંપનીઓ પાસે એરક્રાફ્ટ ફ્લાઈંગ અને મેન્ટેનન્સનો પૂરતો અનુભવ છે. વળી, આ કામગીરી આગામી ત્રણ વર્ષ માટે આપવામાં આવશે. અલબત્ત આ ટેન્ડરમાં ભાગ લેવાની 11 જાન્યુઆરી છેલ્લી તારીખ છે. જો સોમવાર સુધીમાં અન્ય કોઈ બિગ પ્લેયર ન આવી જાય તો સી-પ્લેન સર્વિસની કામગીરીમાં હાલ આ ત્રણેય કંપનીઓ વચ્ચે કાંટાની ટક્કર રહેશે . આગામી સમયમાં આ પ્રકારની સેવા  રાજ્યના અન્ય ટુરિઝમ ડેસ્ટિનેશન ઉપર પણ શરૂ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code