
અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ, વન ડે સહિતની એક ડઝન ક્રિકેટ મેચ રમાઈ ચૂકી છે. દરેક મેચમાં ગ્રાઉન્ડની અંદર-બહાર 1 હજારથી પણ વધુ પોલીસ અધિકારી-કર્મચારી તથા ખેલાડીઓના રૂટ પર મળીને 4 હજારથી વધુ જવાનોને બંદોબસ્તમાં તહેનાત કરવામાં આવ્યા હતા. ક્રિકેટ મેચ એ બિનસરકારી અને કોમર્શિયલ કાર્યક્રમ હોવાથી પેઇડ બંદોબસ્ત માંગવામાં આવે છે. જોકે અત્યાર સુધીમાં આ સ્ટેડિયમમાં રમાયેલી મેચના પોલીસ બંદોબસ્તના રૂ.4 કરોડ હજુ સુધી ગુજરાત ક્રિકેટ એસોસિએશને પોલીસ વિભાગને આપ્યા જ નથી. તેવું સૂત્રોમાંથી જાવા મળ્યુ છે.
અમદાવાદ શહેરમાં આવેલા અને વિશ્વના સૌથી મોટા ગણાતા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આઈપીએલ, વન ડે સહિત એક ડઝન જેટલી રમાઈ હતી. આ મેચમાં સ્ટેડિયમની અંદર અને બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ઉપરાંત મેચના ખેલાડીઓને પણ હોટલથી લઈને સ્ટેડિયમ સુધી બંદોબસ્ત આપ્યો હતો.
પેઇડ બંદોબસ્ત માટે જેટલા પણ પોલીસ અધિકારી-કર્મચારીઓની માગણી કરવામાં આવી હોય, તે પોલીસ કર્મચારીઓ-અધિકારીઓના હોદ્દા પ્રમાણે તેમના એક દિવસના પગારની ગણતરી કરવામાં આવે છે. ત્યાર બાદ જેટલા પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જવાના હોય તેમનું ટોટલ કરીને તેમના પગારની રકમ તેમ જ જીએસટીની રકમનું વાઉચર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા બાદ પેઇડ બંદોબસ્ત મળે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બિનસરકારી કોઈ પણ કાર્યક્રમમાં પોલીસ બંદોબસ્ત જોઈતો હોય તો તે માટે બંદોબસ્ત લેનારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી કરવી પડે છે, જેના આધારે પોલીસ તેનું નિવેદન લઈને જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે તે અરજી એસીપી-ડીસીપીને મોકલે છે. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ તે અરજી સ્પેશિયલ બ્રાંચમાં મોકલાય છે, ત્યાં બંદોબસ્તમાં જનારા પોલીસ અધિકારી-કર્મચારીની સંખ્યાના આધારે રકમ નક્કી કરીને સ્થાનિક પોલીસને જાણ કરાય છે. તે રકમ જમા કરાવીને તેનું વાઉચર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા બાદ પેઇડ પોલીસ બંદોબસ્ત મળે છે. જો કે ગુજરાત ક્રિકેટ એસોએ બંદોબસ્તના રૂપિયા જમા કરાવ્યા નહતા. અને પોલીસને બંદોબસ્ત ફાળવવાની ફરજ પડી હતી. જીસીએએ અત્યાર સુધીના પોલીસ બંદોબસ્તના રૂ. 4 કરોડ ચૂકવ્યા ન હોવા છતાં પોલીસ હજુ સુધી તે વસૂલી શકી નથી. (file photo)