
મથુરા કૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં મુસ્લિમ પક્ષને આંચકો, સુપ્રીમ કોર્ટે ફગાવી મસ્જિદ કમિટીની અરજી
નવી દિલ્હી : મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટે મસ્જિદ કમિટીની અરજીને નામંજૂર કરી છે. મસ્જિદ કમિટીએ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તેમાં હાઈકોર્ટે આ વિવાદ સાથે જોડાયેલા 15 કેસોને એક સાથે સાંકળીને સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો.
હાઈકોર્ટે કહ્યું હતું કે આ તમામ કેસ એક જ પ્રકારના છે, જેમાં એક જ પ્રકારના પુરાવાના આધારે નિર્ણય થવાનો છે. માટે કોર્ટનો સમય બચાવવા માટે આ સારું થશે કે આ કેસોની એકસાથે સુનાવણી કરવામાં આવે. હાઈકોર્ટના આ ચુકાદા વિરુદ્ધ મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ ત્યાંથી તેને નિરાશા જ હાથ લાગી.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ વિષય હાઈકોર્ટમાં જ રજૂ કરો. જો કે અહીં સ્પષ્ટ કરવું જરૂરી છે કે તમામ કેસોને મથુરા જિલ્લા અદાલતથી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવા વિરુદ્ધ મસ્જિદ પક્ષની અરજી હજીપણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.
મસ્જિદ કમિટીની તે અરજી પર એપ્રિલમાં સુનાવણી થશે. આજનો મામલો 18માંથી 15 કેસોને એક સાથે સાંકળવાની વિરુદ્ધ હતો. સુપ્રીમ કોર્ટે તેમાં હસ્તક્ષેપ કર્યો નથી.