1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં નવા મુખ્યસચિવ અને DGPના નામની જાન્યુઆરીના અંત પહેલા જાહેરાત કરી દેવાશે

ગુજરાતમાં નવા મુખ્યસચિવ અને DGPના નામની જાન્યુઆરીના અંત પહેલા જાહેરાત કરી દેવાશે

0
Social Share

ગાંધીનગર : રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર અને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાનો સેવા કાર્યકાળ આગામી તા. 31મી જાન્યુઆરીએ પૂર્ણ થી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે મુખ્યસચિવ અને ડીજીપીના પદ માટે કોને પસંદ કરવા તેના નામની વિચારણા શરૂ કરી દીધી છે. બન્ને પદ પર ત્રણ-ત્રણ નામોની પેનલ બનાવીને કેન્દ્ર સરકારને મોકલાશે. કેન્દ્ર સરકાર દ્વારા એક એક નામ પર મંજુરીની મહોર માર્યા બાદ જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં નામની વિધિવત જાહેરાત કરવામાં આવશે. રાજ્યમાં સિનીયોરિટી પ્રમાણે હાલ મુખ્ય સચિવ પદ માટે વિપુલ મિત્રા અને રાજ્યના નવા પોલીસવડા માટે સંજય શ્રીવાસ્તવ સૌથી સિનિયર છે. જોકે બંનેને સુપર સીટ કરીને તેમના પછીના વ્યક્તિનો નંબર લાગે તેવી સંભાવના પ્રબળ છે. હાલ રાજ્યના બે ઉચ્ચ પદો પર નવી નિમણૂંકને લઈને કવાયત તેજ બની છે. ગાંધીનગરમાં રાજ્યના નવા ડીજીપી અને મુખ્ય સચિવના નામોને લઈ ચર્ચા શરૂ થઈ ગઈ છે. જેથી જલ્દી જ આ નામોની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના ડીજીપી આશિષ ભાટીયા અને મુખ્ય સચિવ પંકજ કુમારનો કાર્યકાળ 31 જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે. નવા ડીજીપી તરીકે સંજય શ્રિવાસ્તવ, અતુલ કરવાલ, પ્રવીણ સિન્હા, વિકાસ સહાય, અજય તોમર તથા અનિલ પ્રથમના નામની ચર્ચા ચાલી રહી છે. જાન્યુઆરી માસના અંતમાં આશિષ ભાટીયાનો પણ કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. વિધાનસભા ચૂંટણી પહેલા આશિષ ભાટીયાને છ માસનું એક્સટેન્શન અપાયું હતું. ત્યારે હવે નવા ડીજીપીની નિમણૂંક કરાશે.

ગુજરાતના નવા ડીજીપીના ત્રણ નામોની યાદી કેન્દ્રમાં ગુજરાત તરફથી મોકલવામાં આવશે. જ્યારે મુખ્ય સચિવ પંકજ કુમારને અપાયેલ એક્સટેન્શન પણ જાન્યુઆરી માસના અંતે પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે નવા મુખ્ય સચિવ સંદર્ભે પણ નામો ચર્ચામાં છે. ગૃહ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજ કુમારનું નામ હાલ આ રેસમાં મોખરે છે. કેન્દ્રમાં રહેલા એસ અપર્ણા તથા બીબી સ્વેઈનના નામોની પણ ચર્ચા ચાલી રહી છે. ઉપરાંત કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી પણ ચર્ચામાં છે. આ ઉપરાંત પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાના નામની પણ ચર્ચા ઉઠી છે. જોકે, ગમે તેટલા નામ ચર્ચાય, આખરી નામ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અંતિમ મોહર મારશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code