1. Home
  2. revoinews
  3. ગુજરાતી સાહિત્યના અંગ્રેજી અનુવાદ થાય એ સમયની માંગ: ડૉ. દર્શનાબેન ભટ્ટ
ગુજરાતી સાહિત્યના અંગ્રેજી અનુવાદ થાય એ સમયની માંગ: ડૉ. દર્શનાબેન ભટ્ટ

ગુજરાતી સાહિત્યના અંગ્રેજી અનુવાદ થાય એ સમયની માંગ: ડૉ. દર્શનાબેન ભટ્ટ

0
Social Share
  • એમ.પી. આર્ટ્સ એન્ડ એમ.એચ. કોમર્સ કૉલેજ ફૉર વિમેન ખાતે આયોજિત અનુવાદ અંગેના રાજ્યકક્ષાના સેમિનારમાં ડૉ. મીનલબેન દવે, ડૉ. અરવિંદ ભાંડારી તથા ડૉ. દર્શનાબેન ભટ્ટે પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું

[અલકેશ પટેલ], અમદાવાદ. 28 ફેબ્રુઆરી, 2026 – A state level seminar on translation ગુજરાતી સાહિત્યના અંગ્રેજી અનુવાદ થાય એ સમયની માંગ છે. ગુજરાતી સાહિત્યમાં આપણી પાસે ઘણો ખજાનો છે અને અહીં ઉપસ્થિત દરેક પ્રાધ્યાપક ઓછામાં ઓછી એક કૃતિનો અંગ્રેજી અનુવાદ કરે તે ઈચ્છનીય છે, તેમ એમ.પી. આર્ટ્સ એન્ડ એમ.એચ. કોમર્સ કૉલેજ ફૉર વિમેન ખાતે આયોજિત અનુવાદ અંગેના રાજ્યકક્ષાના સેમિનારમાં બોલતાં ડૉ. દર્શનાબેને જણાવ્યું હતું.

આજે એમ.પી. આર્ટ્સ એન્ડ એમ.એચ. કોમર્સ કૉલેજ ફૉર વિમેન ખાતે આયોજિત અનુવાદ અંગેના રાજ્યકક્ષાના સેમિનારમાં ડૉ. દર્શનાબેન ઉપરાંત ડૉ. મીનલબેન દવે તથા ડૉ. અરવિંદ ભાંડારીએ પણ પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને અનુવાદ વિશે માર્ગદર્શન આપ્યું હતું.

A state level seminar on translation
A state level seminar on translation

કૉલેજના ઇન્ટર્નલ ક્વોલિટી અશ્યોરન્સ સેલ તથા ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત આ પરિસંવાદનો હેતુ વિવિધ ભાષાના પ્રાધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓને અનુવાદની શાસ્ત્રીય પદ્ધતિથી વાકેફ કરીને તેને અભ્યાસક્રમ સાથે સરળતાથી સંકલિત કરવાનો, અનુવાદ દ્વારા જ્ઞાન જગતની સિદ્ધિઓ તેમજ કલાકૃતિઓનું આદાનપ્રદાન ઝડપી બનાવવાનો તથા ભારત જેવા બહુભાષી, બહુ સાંસ્કૃતિક દેશને એક કરવામાં અનુવાદની કડીરૂપ ભૂમિકા વિશે વિમર્શ કરવાનો હતો.

અનુવાદ અને સામાજિક સંદર્ભ

પરિસંવાદમાં માર્ગદર્શન આપતાં સુવિખ્યાત લેખિકા અને અનુવાદક ડૉ. મીનલબેન દવેએ “અનુવાદ અને સામાજિક સંદર્ભ” વિષય ઉપર વક્તવ્યની શરૂઆતમાં મહિપતરામ રૂપરામના એક પુત્રના પત્ની શ્રૃંગારગૌરીને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, શ્રૃંગારગૌરીનું 16 વર્ષની ઉંમરે તો અવસાન થઈ ગયું હતું પરંતુ એ 9-10 વર્ષની ઉંમરે પરણીને આવ્યા હશે ત્યારબાદ સસરા મહિપતરામ રૂપરામે તેમને અહીં ભણવા મૂક્યા હતા. એ દરમિયાન તેમને અંગ્રેજી શીખવાડ્યું અને અંગ્રેજીની નાની નાની વાર્તાઓના અનુવાદ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ “શ્રૃંગારની કહાનીઓ” નામે નાની પચાસેક પાનાની પુસ્તિકા પ્રકાશિત થઈ હતી. એ પુસ્તિકામાં 16 વાર્તાઓનો અનુવાદ ઉપલબ્ધ છે. આ વાત જાણીને કૉલેજના આચાર્ય ડૉ. ભારતીબેન દવે સહિત સૌ કોઈ ભાવવિભોર થઈ ગયા હતા. આ પછી મીનલબેને અનુવાદના મહત્ત્વ વિશે વાત કરતાં કહ્યું કે, અનુવાદને કારણે જ આજે આપણે રામાયણ, મહાભારત જેવા ગ્રંથોનો આપણને પરિચય ન થાત. બધા લોકો સંસ્કૃત વાંચી શકતા નથી, પરંતુ આ મહાન ગ્રંથોના અનુવાદ થયા એ બધા સુધી પહોંચી શક્યા. અનુવાદ આપણી જિંદગી વણાયેલી બાબત છે તેમ તેમણે વિવિધ ઉદાહરણ સાથે સમજાવ્યું હતું.

A state level seminar on translation
A state level seminar on translation

અનુવાદને મૂવમેન્ટ સાથે સંબંધ છે

બીજા સત્રમાં ભાષા વિજ્ઞાની ડૉ. અરવિંદભાઈ ભાંડારીએ “અનુવાદ અને ભાષા” વિષય ઉપર બોલતાં અનુવાદની જરૂરિયાત, તેમાં ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા, વ્યાકરણ અને શબ્દોની પસંદગી વગેરે બાબતે વિસ્તૃત સમજ આપી હતી. અનુવાદના ઉદ્દભવની સંભાવના વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે, માનવ સમુદાય જ્યાં સુધી એક જ જગ્યાએ સ્થિર હતો ત્યાં સુધી તેને માત્ર એક જ ભાષાથી ચાલી જતું હતું, તેને બીજી ભાષાની જરૂર નહોતી. પરંતુ સ્થળાંતર શરૂ થયું તે સાથે અન્ય જગ્યાના લોકો સાથે સંવાદ કરવાની જરૂર ઊભી થઈ અને એ રીતે સૂક્ષ્મ સ્વરૂપે અનુવાદ અસ્તિત્વમાં આવ્યો. આ સંદર્ભમાં તેમણે સુંદર વિધાન કર્યું કે, “અનુવાદને મૂવમેન્ટ સાથે સંબંધ છે.”

ડૉ. ભાંડારીએ અનુવાદમાં કેવી કાળજી લેવી જોઈએ તે વાતને વિસ્તારથી સમજાવતા બાઈ, ખાલી, આવડવું, વાટવું, રીસર્ચ, શિક્ષા જેવા શબ્દોનું ઉદાહરણ આપીને કહ્યું કે, આ તમામ શબ્દોના અર્થ ગુજરાતી, મરાઠી અને હિન્દીમાં અલગ અલગ થાય છે. તેમણે સૌથી મહત્ત્વની વાત એ કરી કે, અનુવાદ એ એવી કળા છે જેને યોગ્ય રીતે શીખી લેવામાં આવે તો સારામાં સારી આવક પણ કરી શકાય છે.

અનુવાદનો સાહિત્યિક અને સાંસ્કૃતિક સંદર્ભ

ત્રીજા સત્રમાં પ્રાધ્યાપક, અનુવાદક, વિદુષી ડૉ. દર્શનાબેને “અનુવાદનો સાહિત્યિક અને સાંસ્કૃતિક સંદર્ભ” વિષય ઉપર બોલતાં અનુવાદના વ્યાપ અને ઊંડાણ વિશે વિસ્તારથી સમજ આપી હતી. ગુજરાતી સાહિત્યની વિવિધ 11 કૃતિને અંગ્રેજી ભાષામાં ઉતારનાર દર્શનાબેને ઉપસ્થિત ભાષાપ્રેમીઓને પણ ગુજરાતી સાહિત્યનો અંગ્રેજીમાં અનુવાદ કરવાની પ્રેરણા આપી હતી.

સેમિનારના પ્રારંભે કૉલેજના આચાર્યા ડૉ. ભારતીબેન દવેએ 134 વર્ષ જૂની આ સંસ્થાના ગૌરવવંતા ઇતિહાસનો પરિચય આપ્યો હતો. સંસ્થા વતી આ સેમિનારનું આયોજન કરનાર ગુજરાતી વિભાગના વડા ડૉ. વીણાબેન રાવલ અનુવાદ વિશેના રાજ્યકક્ષાના સેમિનારની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. જ્યારે એ જ વિભાગના ડૉ. મનીષાબેન ચાવડાએ સફળ સંચાલન કર્યું હતું. સેમિનાર દરમિયાન ભાષા-સાહિત્યના પ્રખર જ્ઞાતા માર્ગીબેન હાથીએ સેમિનારના મુખ્ય વિદ્વાન વક્તાઓનો એટલો જ વિદ્વત્તાપૂર્ણ શૈલીમાં પરિચય કરાવ્યો હતો.

આ પણ વાંચોઃ પદ્મશ્રી નિલેશભાઈ માંડલેવાલા સાથે REVOIની ખાસ વાતચીતઃ જાણો અંગદાન વિશે શું કહ્યું?

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code