
આજથી લાગુ પડશે ગોલ્ડ જ્વેલરીનો નવો નિયમ, વાંચો શું છે નવો નિયમ
- ગોલ્ડ જ્વેલરી પર લાગુ પડશે નવો નિયમ
- સોનુ ખરીદનાર માટે મહત્વના સમાચાર
- વાંચો શું છે નવો નિયમ
મુંબઈ: સોનુ-જવેરાત ખરીદનાર લોકો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. આજથી એટલે કે 15 જૂનથી સોનુ અને જવેરાત પર હોલમાર્કિગ ફરજીયાત થઈ ગઈ છે. પહેલા આ નિયમને લાગુ કરવાની મર્યાદા 1 જૂન હતી પણ કોરોનાવાયરસના કારણે તેને 15 દિવસ લંબાવવામાં આવી અને 15 જૂનને નવી તારીખ નક્કી કરવામાં આવી હતી.
નવા નિયમો અનુસાર 14,18 કે 22 કેરેટ સોનાથી બનેલું આભૂષણ કે કલાકૃતિને બીઆઈએસ હોલમાર્ક વગર વેચવામાં આવશે તો જ્વેલરને વસ્તુની કિંમતનો પાંચ ગણો દંડ અથવા એક વર્ષની જેલ થઈ શકે છે.
નોંધણીની પ્રક્રિયા ઓનલાઇન અને સ્વચાલિત બનાવવામાં આવી છે. નવા નિયમ સાથે, તમામ ઝવેરીઓને સોનાના ઝવેરાત પર હોલમાર્ક લગાવવી ફરજિયાત રહેશે જેથી સોનું ખરીદવા જતા ગ્રાહકોને છેતરપિંડી થયો હોવાનો અનુભવ ન થાય અને તેના બદલે શુદ્ધ ઝવેરાત મળી રહે.
સરકારે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં અસેઈંગ અને હોલમાર્કિંગ કેન્દ્રોમાં 25 ટકાનો વધારો થયો છે. બીઆઈએસ પહેલેથી જ એપ્રિલ 2000થી ગોલ્ડ જ્વેલરી માટે હોલમાર્કિંગ યોજના ચલાવી રહ્યુ છે. હાલમાં સોનાના લગભગ 40 ટકા ઝવેરાત હોલમાર્ક કરવામાં આવી રહ્યા છે.
આ કેન્દ્રોની હાલની ક્ષમતા સાથે, એક વર્ષમાં લગભગ 14 કરોડ વસ્તુઓ હોલમાર્ક કરવાની છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા મુજબ ભારતમાં લગભગ 4 લાખ ઝવેરી છે, જેમાંથી ફક્ત 35,879 બીઆઈએસ સર્ટિફાઇડ છે.