
રાજ્ય સરકારે આંદોલનકારી કર્મચારીઓની વધુ પાંચ માગ સ્વીકારી, મેટરનીટી લીવ 6 મહિના અપાશે
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ટાણે જ સરકારના કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે શરૂ કરેલા આંદોલનનું સમધાન શોધવા સરકાર પ્રયાસો કરી રહી છે. સરકારે પાંચ મંત્રીઓની કમિટી બનાવી છે. અને મંત્રીઓ દ્વારા કર્મચારી મંડળો, યુનિયનના નેતાઓ સાથે વાટાઘાટો કરીને તેમના પ્રશ્નો ઉકેલવાની મથામણ કરવામાં આવી રહી છે. જેમાં વધુ પાંચ માગણીઓ સ્વીકારવામાં આવી છે. જોકે 2005 પછી નિમણૂંક થયેલા કર્મચારીઓના જુની પેન્શન યોજનાની માગણીનો નિવેડો આવ્યો નથી.
રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગણીને લઈને 72 જેટલા અલગ અલગ સંગઠનો એક થયા હતા અને રાજ્ય સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો હતો. સરકારે કર્મચારીઓના આગેવાનો સાથે વાટાઘાટો કરવા માટે મંત્રીઓની એક કમિટી બનાવવામાં આવી હતી. રાજ્ય સરકાર અને કર્મચારી મહામંડળના આગેવાનો વચ્ચે વિવિધ 14 માંગ અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકારે સમાધાન કરી વલણ દાખવી અનેક માંગો સંતોષી હતી. જો કે આ સિવાય જે રીતે અન્ય આંદોલન થઈ રહ્યા છે તેને શાંત પાડવા માટે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે કર્મચારીઓને આર્થિક ફાયદો મળે તેને ધ્યાનમાં લઈને પરિપત્રો પણ કરી દીધા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ નાણાં વિભાગ દ્વારા રાજ્યના વિવિધ કર્મચારી સંગઠન તથા પેન્શન મંડળો દ્વારા પેન્શનના મૂડીકૃત રૂપાંતર કરાયેલા ભાગનું પુનઃ સ્થાપન કરવાની સમય મર્યાદા ઘટાડવા રજૂઆતો કરાયેલી હતી. જે મુદ્દે સરકાર દ્વારા વિચારણાં કરી રહી હતી. હવે નાણાં વિભાગ દ્વારા ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે જેમાં ઠરાવ પ્રસિદ્ધ થયાની તારીખથી જ તેનો અમલ કરવાનો રહેશે. હાલ જે પેન્શન હોય એ પેન્શનનું મૂડી રૂપાંતર કરાવ્યું છે. તેઓને પણ આ જોગવાઈનો લાભ આપવાનો રહેશે. જે પેન્શનના મૂડીકૃત રૂપાંતરણને 13 વર્ષ કે તેથી વધુ સમય થયો છે તેવા કિસ્સામાં ઠરાવ પ્રસિદ્ધ થયાની તારીખના પછીના માસથી પેન્શનનું પુનઃ સ્થાપન કરવાનું રહેશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મહિલા કર્મચારીઓ માટેની મેટરનિટી લિવમાં પણ સુધારો કરાયો છે અને તે બાબતે ઠરાવ પણ કરવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે હંગામી નોકરી પરના મહિના કર્મચારીઓને નોકરીમાં જોડાયા બાદથી જ જે તારીખથી માતૃત્વ રજા પર જાય તે જ તારીખથી 180 દિવસના સમયગાળાની માતૃત્વ રજા મળવા પાત્ર રહેશે. રજાને હિસાબમાં ઉતારવામાં આવશે નહીં. મહિલા કર્મચારીને મળવા પાત્ર રજાના પગાર તેની રજા પર જતાં પહેલા જે પગાર મળતો હોય તેની બરાબર રહેશે. ઉપરાંત કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યના કર્મચારીઓની વીમાની રકમમાં વધારો કરવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકારના નાણાં વિભાગો દ્વારા હાલ વીમાની રકમ 50 હજારથી રૂપિયા 4 લાખ રૂપિયાની છે જે હવેથી 2.50 લાખ રૂપિયાથી 20 લાખ રૂપિયા સુધીની કરવામાં આવી છે. જ્યારે તબીબી ભથ્થાની રકમમાં પણ પ્રતિ માસ રૂપિયા 1000નો વધારો કરવામાં આવ્યો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારમાં વર્ગ 3-4ના કર્મચારીઓ પણ રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા પણ ખાસ ઉચ્ચક નાણાંકીય સહાયની જાહેરાત કરવામાં આવી છે આમ નિયત ધોરણે નિયમિત પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા વર્ગ ત્રણ અને ચાર તેમજ વર્ક ચાર્જ મહેકમ ઉપરાંતના વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓને નોકરી દરમિયાન અવસાનના કિસ્સામાં સ્વર્ગસ્થ કર્મચારીના આશ્રિત કુટુંબોને રૂ.14 લાખની ઉચ્ચ નાણાકીય સહાય આપવામાં આવશે.(file photo)