પાલનપુર શહેરમાં નવી 8 CNG બસ દોડાવવાને રાજ્ય સરકારે આપી મંજુરી,
પાલનપુરઃ બનાસકાંઠાના પાલનપુર શહેરમાં સીટીબસ ચાલુ કરવા માટે નગરપાલિકાની સામાન્ય સભાએ ઠરાવ કરીને રાજ્ય સરકારને મોકલી આપ્યો હતો. હવે ગાંધીનગરથી 8 સીએનજી સીટી બસ માટેની મંજુરી મળી ગઈ છે. આગામી દિવસોમાં પાલનપુર શહેરમાં આઠ સીટીબસો જુદા જુદા માર્ગો પર ફરતી જોવા મળશે.
સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા પાલનપુર શહેરમાં વધતી જતી વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. ત્યારે શહેરી પરિવહનની જરૂરિયાત ઊભી થઈ છે. શહેરીજનો તેમજ બહારથી આવતાં લોકોને મુસાફરી કરવા માટે એકમાત્ર રિક્ષાઓનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. ત્યારે ઓછા ભાડામાં સુવિધાજનક મુસાફરી થાય તે માટે નગરપાલિકાની સાધારણ સભામાં ઠરાવ કરી નવી સીટીબસો ચાલુ કરવા ગાંધીનગર ઠરાવ મોકલ્યો હતો. જેને સરકારે મંજૂરી આપતા હવે સીટી બસ આવવાનો માર્ગ મોકળો બન્યો છે. પાલનપુરમાં 12 વર્ષ અગાઉ નગરપાલિકાએ કોન્ટ્રાકટ બેઝથી બે સીટીબસો ચાલું કરી હતી. જોકે, ખર્ચ વધી જતાં બંધ કરવી પડી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ પાલનપુર નગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. નગરપાલિકા પ્રમુખ કિરણબેન રાવલે જણાવ્યું હતુ કે, અગાઉ 9 એપ્રિલ 2022ની સાધારણ સભામાં શહેરમાં નગરપાલિકા સંચાલિત આઠ સીટી બસો દોડાવવાનો ઠરાવ કરાયો હતો. જે રાજ્ય સરકારમાં દરખાસ્ત મંજુરી હેઠળ પેંડિંગ હતી જેને સરકારે મંજુરી આપી છે. જેથી આગામી દિવસોમાં ખાનગી એજન્સી દ્વારા સીએનજી સિટીબસનો પ્રોજેકટ અમલમાં મુકાશે.