
નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે મુંબઈમાં 2008માં થયેલા આતંકવાદી હુમલાને લઈને તત્કાલીન યુપીએ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. હૈદરાબાદમાં આયોજિત ‘ફોરેન પોલિસી ધ ઈન્ડિયા વેઃ ફ્રોમ ડિફેન્ડસ ટુ કોન્ફિડેંસ’ વિષય પર એક સત્રને સંબોધતા વિદેશ મંત્રીએ દાવો કર્યો હતો કે, જ્યારે 2008માં મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો અને તેમાં પાકિસ્તાનની સંડોવણી સ્પષ્ટપણે જોવા મળી હતી, ત્યારે પણ તે સમયે સરકારે તેમની સામે કંઈ ન કરવાનો નિર્ણય લીધો હતો. જયશંકરે વધુમાં કહ્યું કે, આ માટે તેમનો તર્ક એ હતો કે ‘પાકિસ્તાન પર હુમલો ન કરવાની સરખામણીએ તેની ઉપર હુમલો કરવો વધુ મોંઘો પડશે’.
પોતાના સંબોધનમાં જયશંકરે ભારતને વૈશ્વિક દક્ષિણના દેશોનો અવાજ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આજે ગ્લોબલ સાઉથના લગભગ 125 દેશો ભારત તરફ જુએ છે અને વિશ્વમાં તેમની સમસ્યાઓ માટે આપણા પર વિશ્વાસ કરે છે. અહીં બોલતી વખતે તેમણે ઈઝરાયેલ વિશે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, ઈઝરાયલ જેવો દેશ, જે 1948માં આઝાદ થયો પરંતુ 1992 સુધી ત્યાં કોઈ ભારતીય દૂતાવાસ નહોતું. નરેન્દ્ર મોદી ઈઝરાયેલની મુલાકાત લેનાર ભારતના પ્રથમ વડાપ્રધાન છે. વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, વોટ બેંકે વર્ષોથી ભારતની વિદેશ નીતિને પ્રભાવિત કરી છે.
આ દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, આપણે દરેક ક્ષણે બદલાતી દુનિયા માટે હંમેશા તૈયાર રહેવું પડશે. એવી દુનિયા જ્યાં વસ્તુઓ ખોટી થઈ શકે છે. અમારી પાસે ખૂબ જ ટૂંકા ગાળામાં પ્રતિસાદ આપવાની સતત ક્ષમતા હોવી જોઈએ. તેમણે કહ્યું કે સરહદો પર વિવિધ પડકારો છે. આમ છતાં આપણે આપણી સરહદો મજબૂત કરવી પડશે. આ માટે અમારે ઘણાં હોમવર્કની જરૂર છે. અમને સેનાના સમર્થનની જરૂર છે. આપણે સૈન્યને ટેકો આપવાની જરૂર છે જે સરહદ પરના જોખમોનો જવાબ આપી શકે.