1. Home
  2. ગુજરાતી
  3. વિશ્વ હવે અસ્થિરતાના યુગમાં, પણ ભારત મજબૂત ભાગીદાર તરીકે ઉભર્યું: એસ. જયશંકર
વિશ્વ હવે અસ્થિરતાના યુગમાં, પણ ભારત મજબૂત ભાગીદાર તરીકે ઉભર્યું: એસ. જયશંકર

વિશ્વ હવે અસ્થિરતાના યુગમાં, પણ ભારત મજબૂત ભાગીદાર તરીકે ઉભર્યું: એસ. જયશંકર

0
Social Share

મુંબઈ, 17 ફેબ્રુઆરી 2026: વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારત આજે વિશ્વના દેશો સાથે પહેલા કરતા વધુ મજબૂતી અને આત્મવિશ્વાસ સાથે જોડાઈ રહ્યું છે, જે દેશની વધતી જતી શક્તિનું પ્રતીક છે. મુંબઈમાં આયોજિત ‘ગ્લોબલ ઈકોનોમિક કોઓપરેશન કોન્ફરન્સ’માં સંબોધન કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારત હવે કોઈ નબળા રાષ્ટ્ર તરીકે નહીં, પરંતુ એક ભરોસાપાત્ર વૈશ્વિક સાથી તરીકે ઉભરી આવ્યું છે.

જયશંકરે વર્તમાન વૈશ્વિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, “દુનિયા અત્યારે અત્યંત અનિશ્ચિત અને અસ્થિર તબક્કામાં પ્રવેશી ચૂકી છે. જૂની વ્યવસ્થાઓ નબળી પડી રહી છે અને નવી વ્યવસ્થા બનવામાં સમય લાગી રહ્યો છે, જેના કારણે વિશ્વ એક લાંબા સંક્રમણ કાળ તરફ આગળ વધી રહ્યું છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે હવે ઉત્પાદન, નાણાકીય શક્તિ અને નિકાસ નિયંત્રણ જેવા આર્થિક પાસાઓનો ઉપયોગ હથિયાર તરીકે કરવામાં આવી રહ્યો છે.

વિદેશ મંત્રીએ ભારતના મજબૂત થતા અર્થતંત્રના પુરાવા રૂપે તાજેતરમાં થયેલા બે મોટા કરારો પર ભાર મૂક્યો હતો. ભારત-અમેરિકા ડીલ મામલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મંત્રણા બાદ અમેરિકાએ ભારતીય સામાન પરના ટેરિફ (ટૅક્સ) 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દીધા છે. આ નિર્ણયથી ભારતીય નિકાસકારોને વૈશ્વિક બજારમાં મોટો ફાયદો થશે. ભારત-યુરોપિયન યુનિયન (EU) કરાર અંગે કહ્યું કે, ગયા મહિને ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર મંત્રણા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આ સમજૂતીથી બંને પક્ષો વચ્ચે વેપાર અને આર્થિક સંબંધોના નવા દ્વાર ખુલશે.

એસ. જયશંકરના મતે, ભારત હવે આર્થિક તાકાત વધારી રહ્યું છે અને વેપારની તકોનું વિસ્તરણ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, તાજેતરમાં થયેલા અનેક વેપાર કરારો એ વાતનું પ્રમાણ છે કે ભારત હવે વૈશ્વિક મંચ પર નિર્ણય લેનારી ભૂમિકામાં છે. ભારત હવે વિશ્વને માત્ર બજાર તરીકે નથી જોતું, પરંતુ એક મજબૂત અને વિશ્વસનીય ભાગીદાર તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ ઉત્તરપ્રદેશઃ 37 વર્ષથી ભારતમાં રહેતી પાકિસ્તાની મહિલા અને તેની દીકરી ઝડપાઈ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code