1. Home
  2. Agency
  3. News
  4. નવા વર્ષના પ્રથમ દિવસે આટલા થયા ફેરફાર, સીએનજીનો ભાવ ઘટ્યો
નવા વર્ષના પ્રથમ દિવસે આટલા થયા ફેરફાર, સીએનજીનો ભાવ ઘટ્યો

નવા વર્ષના પ્રથમ દિવસે આટલા થયા ફેરફાર, સીએનજીનો ભાવ ઘટ્યો

0
Social Share

નવી દિલ્હી, 1 જાન્યુઆરી 2026: વર્ષ 2026ની શરૂઆત સામાન્ય જનતા માટે મિશ્ર પ્રતિસાદ લઈને આવી છે. 1 જાન્યુઆરી 2026થી દેશમાં આર્થિક મોરચે ઘણા મોટા ફેરફારો અમલી બન્યા છે. એક તરફ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો વધારો થયો છે, તો બીજી તરફ CNG અને PNGના ભાવ ઘટતા ગૃહિણીઓ અને વાહનચાલકોને આંશિક રાહત મળી છે. આ ઉપરાંત કાર મોંઘી થઈ છે અને કેન્દ્રીય કર્મચારીઓ માટે 8માં પગાર પંચના સારા સમાચાર પણ આવ્યા છે.

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ. 111નો તોતિંગ વધારો

વર્ષના પ્રથમ દિવસે જ વેપારીઓ અને હોટલ સંચાલકોને મોંઘવારીનો ફટકો પડ્યો છે. 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રૂ. 111નો વધારો ઝીંકાયો છે. જોકે, રાહતની વાત એ છે કે ઘરેલુ વપરાશના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

રેલવે ટિકિટ બુકિંગમાં આધાર કાર્ડ ફરજિયાત

આગામી 12 જાન્યુઆરી 2026થી IRCTC પર ટિકિટ બુક કરાવવા માટેના નિયમો વધુ કડક બનશે. હવે રિઝર્વ ટિકિટ બુક કરવા માટે એકાઉન્ટ સાથે આધાર લિંક હોવું અનિવાર્ય છે. જો આધાર લિંક નહીં હોય, તો મુસાફરો સવારે 8 થી રાત્રે 12 વાગ્યા સુધી ટિકિટ બુક કરી શકશે નહીં. આ નિયમ એડવાન્સ બુકિંગના પ્રથમ દિવસે લાગુ પડશે.

નવી કાર ખરીદવી હવે મોંઘી બનશે

જો તમે નવા વર્ષમાં કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે ખિસ્સું વધુ હળવું કરવું પડશે. Hyundai, MG Motor, Nissan, Renault અને Mercedes-Benz જેવી કંપનીઓએ ભાવમાં 2% થી 3% નો વધારો કર્યો છે. ઈનપુટ કોસ્ટ અને લોજિસ્ટિક્સ ખર્ચ વધવાને કારણે કંપનીઓએ આ નિર્ણય લીધો છે.

CNG અને PNGમાં રૂ. 2 થી રૂ. 3ની રાહત

પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) દ્વારા ગેસ ટ્રાન્સપોર્ટેશન ચાર્જમાં ઘટાડો કરવામાં આવતા સામાન્ય જનતાને મોટી રાહત મળી છે. CNG અને પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ના ભાવમાં પ્રતિ યુનિટ ₹2 થી ₹3નો ઘટાડો થવાની શક્યતા છે, જે ઘરના બજેટ અને મુસાફરી ખર્ચમાં ઘટાડો કરશે.

વિમાન પ્રવાસ સસ્તો થઈ શકે છે

તેલ કંપનીઓએ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે વિમાનના બળતણમાં પ્રતિ કિલોલીટર રૂ. 7,000નો ઘટાડો કર્યો છે. દિલ્હીમાં હવે તેની કિંમત રૂ.92,323.02 થઈ ગઈ છે. બળતણ સસ્તું થતા આગામી દિવસોમાં એરલાઈન્સ કંપનીઓ ટિકિટના ભાવમાં ઘટાડો કરી શકે છે.

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં થશે મોટો ઉછાળો

કેન્દ્ર સરકારે 8મું પગાર પંચ લાગુ કરવાની જાહેરાત કરીને લાખો કર્મચારીઓને નવા વર્ષની ભેટ આપી છે. જાન્યુઆરી 2026 થી આ પંચ લાગુ થવાની પ્રબળ શક્યતા છે. જે કર્મચારીનો હાલનો પગાર રૂ. 65,500ની આસપાસ છે, તેમનો પગાર વધીને રૂ. 1,10,000 થી વધુ થઈ શકે છે. ફિટમેન્ટ ફેક્ટરના આધારે બેઝિક સેલરી અને પેન્શનમાં જંગી વધારો જોવા મળશે.

વધુ વાંચો: 2026ના પહેલા દિવસે હિમાચલ પ્રદેશના મંદિરોમાં ભક્તોની ભીડ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code