
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યશોભૂમિ અધિવેશન કેન્દ્રમાં જી20 સભ્ય દેશોના સંસદોના સભાપતિઓના નવમાં સંમેલનનું ઉદઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, આ સમિટ એક પ્રકારથી દુનિયાભરની અલગ-અલગ સંસદીય પ્રથાઓની મહાકુંભ છે. આપ તમામ પ્રતિનિધિઓ વિવિધ સંસદીય કાર્યશૈલીના અનુભવી છો. આટલા સમૃદ્ધ લોકતાંત્રિક અનુભવો સાથે ભારત આવવુ આપણા તમામ માટે સુખદ છે.
પીએમ મોદીએ ઈઝરાયલ ઉપર આવેલા સંકટનો નામ લીધા વિના ઉલ્લેખ કરીને કહ્યું કે, દુનિયાના વિવિધ ખુણામાં જે પણ ઘટનાઓ ઘટી રહી છે, જેનાથી આજે કોઈ દૂર નથી. સંઘર્ષને કારણે દુનિયા આજે સંકટો સામે લડી રહી છે. જે કોઈના હિતમાં નથી. માનવતા સામે જે મોટો પડકાર છે તેનુ સમાધન વહેંચાયેલી દુનિયા આપી શકતી નથી. આ શાંતિ અને ભાઈચારાની સાથે આગળ વધવાનો સમય છે. હાલનો સમય વિકાસ અને કલ્યાણનો છે. આપણે વૈશ્વિક વિશ્વાસના સંકટને દુર કરીને માનવ કેન્દ્રીત વિચાર સાથે આગળ વધવુ જોઈએ. આપણે વિશ્વને એક પૃથ્વી, એક પરિવાર અને એક ભવિષ્યની સાથે આગળ વધવુ જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 20 વર્ષ પહેલા આતંકવાદીઓએ અમારી સંસદને નિશાન બનાવ્યું હતું. તે વખતે સંસદનું સત્ર ચાલતુ હતુ અને આતંકવાદીઓનો ઈરાદો સાંસદોને બંધક બનાવીને તેમને ખત્મ કરવાનો હતો. આતંકવાદ દુનિયા માટે કેટલો મોટો પડકાર છે તેનો અહેસાસ સમગ્ર વિશ્વને થઈ રહ્યો છે. આતંકવાદ માનવતાની વિરુદ્ધ હોય છે. જેથી આપણે તમામે આતંકવાદને લઈને કડક વલણ અપનાવવુ પડશે. આતંકવાદની પરિભાષાને લઈને સહમતિ ન બનવી એ ખુબ દુખદ છે. આજે યુએન પણ આની રાહ જોઈ રહ્યું છે. દુનિયાના આ વલણનો ફાયદો માનવતાના દુશ્મનો ઉઠાવી રહ્યાં છે. દુનિયાભરના પ્રતિનિધિઓએ વિચારવુ જોઈએ કે આતંકવાદ સામે કેવી રીતે કામ કરી શકાય.
પીએમ મોદીએ કહ્યું હતું કે, આગામી વર્ષે ભારતમાં ફરી એકવાર સામાન્ય ચૂંટણી યોજાવાની છે. હું પી20 શિખર સંમેલનમાં આપ તમામ પ્રતિનિધિઓને આગામી વર્ષે યોજનારી ચૂંટણીને નિહાળવા માટે આમંત્રણ આપી રહ્યો છું. અમે ભારતમાં સામાન્ય ચૂંટણીનો મોટો પર્વ માનીએ છીએ. વર્ષ 1947માં આઝાદી મળ્યા બાદ ભારતમાં અત્યાર સુધીમાં 17 વખત લોકસભાની ચૂંટણી યોજાઈ છે. જ્યારે 300થી વધારે વખત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ છે. વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં 60 કરોડ મતદારોએ ભાગીદારી કરી હતી. તે સમયે લગભગ 91 કરોડ મતદારો નોંધાયેલા છે. જે સમગ્ર યુરોપની કુલ વસતીથી વધારે છે. આ દર્શાવે છે કે, ભારતની પ્રજાને સંસદીય પ્રક્રિયાઓમાં કેટલો ભરસો છે.