 
                                    રાજકોટઃ રાજ્યની મોટાભાગની નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ કંગાળ બની છે. કારણ કે જે પ્રમાણેનો રોજબરોજનો ખર્ચ છે. તેટલી આવક થતી નથી. આથી ખર્ચને પહોંચી વળવા માટે સરકારી ગ્રાન્ટની રાહ જોવી પડે છે. સૌરાષ્ટ્રમાં કૂલ 66 માંથી 63 નગરપાલિકાઓ બાકી વીજબિલ ભરી શકવાની સ્થિતિમાં નથી. 63 નગરપાલિકાઓનું સ્ટ્રીટ લાઈટ અને વોટરવર્ક્સનું રૂપિયા 348 કરોડનું વીજળી બિલ બાકી છે. પીજીવીસીએલ દ્વારા વીજબિલ ભરવાની નોટિસો આપીને કે એકાદ-બે નગરપાલિકાના વીજ જોડાણ કાપીને સંતોષ માનવામાં આવી રહ્યો છે. તાજેતરમાં બે દિવસ પૂર્વે સૌરાષ્ટ્રમાં બોટાદ નગરપાલિકાનું વીજ જોડાણ PGVCL દ્વારા કાપવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર કચ્છની કુલ 66 નગરપાલિકા પૈકી માત્ર 3 નગરપાલિકા એવી છે કે, જેનું એક પણ વીજ બિલ બાકી નથી, જયારે બાકીની 63 નગરપાલિકા એવી છે કે જેની પાસેથી PGVCLને વોટરવર્કસના 316.89 કરોડ અને સ્ટ્રીટ લાઈટના 31.40 કરોડના વીજ બિલ 31.12.2022 સુધીના લેવાના બાકી બોલે છે. મોટાભાગની નગરપાલિકાઓમાં ભાજપનું જ શાસન છે ત્યારે ભાજપ શાસિત નગરપાલિકાઓ પણ સરકારને દેણામાં મૂકી રહી છે અને બાકી બિલો ભરવામાં ગલ્લાંતલ્લા કરી રહી છે. એક પછી એક નગરપાલિકામાં વીજબીલ બાકી હોવાના કારણે વીજ જોડાણ રદ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે પણ નગરપાલિકાઓને બાકી વીજબીલ ભરી દેવા સૂચના આપી હોવાનું કહેવાય છે. સૌરાષ્ટ્ર ક્ચ્છની 66 પૈકી ઉપલેટા, દ્વારકા અને વાંકાનેર નગરપાલિકાને બાદ કરતા તમામ નગરપાલિકાના સ્ટ્રીટ લાઈટ કે વોટર વર્કસના કોઈ ને કોઈ બિલ ભરપાઈ કરવાના બાકી બોલે છે. જેમાં 63 નગરપાલિકા એવી છે કે જેની પાસેથી PGVCLને વોટરવર્કસના 316.89 કરોડ અને સ્ટ્રીટ લાઈટના 31.40 કરોડના વીજ બિલ લેવાના બાકી છે.
PGVCLના સૂત્રોએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર કચ્છની નગરપાલિકાઓ પાસેથી 316 કરોડથી વધુની વસુલાત કરવાની છે. છેલ્લા ઘણા સમયથી સમયાંતરે વીજ બિલ ભરવા માટે નગરપાલિકાને જાણ પણ કરવામાં આવી છે છતાં કોઈ રિસ્પોન્સ મળતો નથી. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં PGVCL અંતર્ગત કુલ 12 સર્કલનો સમાવેશ થાય છે જેમાં રાજકોટ સિટીને બાદ કરતા તમામ 11 સર્કલ કે જેમાં અમરેલી, અંજાર, બોટાદ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર, રાજકોટ રૂરલ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે જેમાં 31-12-2022 સુધીમાં કુલ 348.29 કરોડ ના વીજ બિલ બાકી બોલે છે એટલે કે 348.29 કરોડના બિલ નગરપાલિકા દ્વારા ભરપાઈ કરવામાં આવ્યા નથી.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

