
બાંગ્લાદેશ સરહદ પાસે તસ્કરોએ BSF જવાનો ઉપર કર્યો હુમલો, ચાર જવાન ઘાયલ થયાં
નવી દિલ્હીઃ ભારત-બાંગ્લાદેશ સરહદ ઉપર તસ્કરોએ બીએસએફ જવાનો ઉપર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ હુમલા મહિલા કર્મચારી સહિત ચાર જવાનો ઈજાગ્રસ્ત થયાં હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. સુરક્ષા એજન્સીઓએ તસ્કરોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. તસ્કરોએ સરહદની સુરક્ષા માટે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા, કોમ્પ્યુટર અને કન્ટ્રોલ રૂમમાં તોડફોડ કરીને બીએસએફની સંપતિને ભારે નુકશાન કર્યું હતું.
સરહદ નજીક ફરજ બજાવતા બીએસએફના જવાનોને માહિતી મળી હતી કે, નવાદાપાંડાના આલમગીર મંડલ, સુખદેવ મંડલ, સુકુમાર અને પવિત્રાના ઘરમાં મોટી માત્રામાં ગાંજો અને ફેંસેડિલ છે જે તસ્કરો બાંગ્લાદેશ મોકલાવવાના છે. ચોક્કસ બાતમીના આધારે આલમગીર મંડળના ઘરે દરોડા પાડતા ગાંજા સહિતની વસ્તુઓ મળી આવી હતી. દરમિયાન બીએસએફ જવાન જ્યારે આલમગીર મંડલને પકડીને લઈ જતા હતા. દરમિયાન તેના સાગરિતોએ જવાનો ઉપર લાકડી સહિતના મારક હથિયારો વડે હુમલો કર્યો હતો અને ભારે પથ્થર મારો કર્યો હતો. આ બનાવમાં બીએસએફના ચાર જવાનો ઘાયલ થયાં હતા. બીએફએફના જવાનોએ સ્વરક્ષણ માટે હથિયારનો ઉપયોગ કરતા તસ્કરો ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત જવાનોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસ અને બીએસએફના જવાનોએ તસ્કરોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.
આ બનાવની જાણ થતા બીએસએફ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ દોડી ગયા હતા. તેમજ ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યાં હતા. બીજી તરફ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.