
પાટણઃ શહેરમાં લાબા સમયથી રખડતા ઢોરની સમસ્યા વિકટ બની હતી. જાહેર રોડ પર રખડતા ઢોર અડ્ડો બનાવીને બેસી રહેતા હોવાથી ટ્રાફિકને ભારે મુશ્કેલી પડતી હતી. રખડતા ઢોરને લીધે અકસ્માતો પણ સર્જાતા હતા. આ સંદર્ભે જિલ્લા કલેક્ટરે આપેલી સુચના બાદ પાટણ નગરપાલિકાએ રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ હાથ ધરી છે. છેલ્લા બે દિવસમાં 40 ડેટલા ઢોરને પકડીને ડબ્બે પૂર્યા બાદ ઢોર માલિકો પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો.
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામા દિન પ્રતિદિન વધી રહેલા રખડતા ઢોરોના ત્રાસને નિવારવા નગરજનોની અનેક વખતની રજૂઆતને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના તમામ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે બેઠક યોજી હતી. રખડતાં ઢોરોના ત્રાસમાંથી નગરજનોને મુક્ત કરવા ઢોર માલિકો સામે કડક કાર્યવાહી કરવા અને રખડતા ઢોરોને ડબ્બે પુરવાના આદેશ કરવામાં આવ્યા હતા. કલેક્ટરના આદેશના પગલે પાટણ નગરપાલિકાની ઢોર ડબ્બા શાખા દ્વારા રખડતા ઢોરોને ડબ્બે પુરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે ઝુંબેશ દરમિયાન બે દિવસમાં નગરપાલિકાની ઢોર ડબ્બાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શહેરના સાલવીવાડા્, પારેવા સર્કલ, છીડીયા દરવાજા, જુના પાવર હાઉસ સહિતના વિસ્તારોમાંથી 40 થી વધુ રખડતા ઢોરોને ડબ્બે પુરવામાં આવ્યાં હતા. ડબ્બે કરાયેલા ઢોરોને છોડાવવા માટે આવતા ઢોર માલિકો પાસેથી ઢોર દીઢ રૂ. 3 હજાર દંડ અને ઢોર પકડાયાના બીજા દિવસથી રોજના રૂ. 200 લેખે ઢોરના રખરખાવનો ખર્ચે તેમજ ઢોર માલિક પાસેથી સ્ટેમ્પ ઉપર હવે પછી પોતાનું ઢોર રખડતુ નહીં છોડે તેવું સોગંદનામું મેળવીને જ ઢોર માલિકને તેનું ઢોર સોપવા પાલિકાના ચિફ ઓફિસર નિતિનભાઇ દ્વારા ઢોર ડબ્બા શાખાને સુચના આપવામાં આવી છે. શહેરમાં રખડતાં ઢોરોનો પાલિકા દ્વારા સર્વે કરાવતા અંદાજિત 800 થી 1000 જેટલા રખડતા ઢોરો શહેરમાં હોવાનું જાણવા મળ્યું છે. પાટણ નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવા હાથ ધરાયેલી ઝુંબેશમાં અડચણરૂપ બનતા ઢોર માલિકો સામે પોલીસ ફરિયાદ સુધીના પગલા ભરવામાં આવશે.