કોરોના સામે જંગઃ કેન્દ્ર સરકાર હવે રશિયાની રસી ‘સ્પુતનિક-વી’ પણ મફતમાં ઉપલબ્ધ કરાવશે
મુંબઈઃ કોરોના મહામારી સામે લડાઈમાં ભારત સરકારે કોવેક્સીન અને કોવિશીલ્ડ બાદ રૂસી વેક્સિન સ્પુતનિક-વી ને પણ મફતમાં ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. જરૂરીયાત અનુસાર આ રસી ટુંક જ સમયમાં સરકારી રસીકરણ કેન્દ્રો ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોવિડ-19 વર્કિંગ ગ્રુપના ચેરપર્સન ડો.એન.કે.અરોડાએ આ માહિતી આપી હતી.
ડો અરોડાએ જણાવ્યું હતું કે, આ રસી પણ ફ્રીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ સ્પુતનિક-વી માત્ર ખાનગી હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ છે. હવે આને મફત રસીકરણ કાર્યક્રમ હેઠળ ઉપલબ્ધ કરાવવા માંગીએ છીએ. સ્પુતનિક-વી રસીને માઈનસ 18 ડિગ્રી સેલ્સિયમ તાપમાન પર સ્ટોર રાખવી પડે છે. આ માટે પોલિયો રસી રાખવા માટે કામ આવતી કોલ્ડ ચેન ફેસિલિટીઝ સ્પુતનિક-વી સ્ટોર કરવા માટે ઉપયોગમાં લેવાશે. જેથી રસી દેશના ગ્રામીણ વિસ્તારોમાં પહોંચશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, પોલિયો રસીકરણને પગલે કેટલાક વિસ્તારોમાં કોવિડ રસીકરણ અભ્યાન ધીમું પડ્યું છે. જો કે, આગામી અઠવાડિયે આ અભિયાન વધારે વેગવંતુ બનશે. અત્યાર સુધીમાં 34 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે. જુલાઈ અંત સુધીમાં 12થી 16 કરોડ ડોગ આપવાનું અનુમાન છે. ગત જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, જુલાઈના અંત સુધીમાં લગભગ 50 કરોડ ડોઝ આપીને લોકોને કોરોનાથી સુરક્ષિત કરવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું કે, હાલ મોટી સંખ્યામાં કોવિશીલ્ડ અને કોવેક્સિન ઉપલબ્ધ છે. આ બંને રસીનું ઉત્પાદન વધારવા ઉપરાંત સ્પુતનિક-વી રસીનું આગમન અને મોડર્ના તથા ઝાયડસ કેડિલાની નવી રસીના રોલઆઉટ ડેલી કવરેજ 50 લાખથી વધારીને આગામી સપ્તાહથી 80 લાખથી એક કરોડ કરવાનું અનુમાન છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

