
ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપ મેચની ટિકિટો માટે પડાપડી, ક્રિકેટરસિયા બન્યાં નિરાશ
અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડકપ મેચ આગામી તા,14 ઓકટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. આ રોમાંચકભરી મેચને નિહાળવા માટે ક્રિકેટરસિકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને ટિકિટ મેળવવા માટે પડાપડી થઈ રહી છે. ટિકિટ ન મળવાથી ક્રિકેટરસિયાઓ નારાજ બન્યા છે. રવિવારે બપોરે 12 વાગ્યે ટિકિટ માટે ઓનલાઈન સ્લોટ ખૂલતા જ ગણતરીની મીનીટોમાં 14 હજાર ટિકિટનું ઓનલાઈન વેચાણ થઈ ગયું હતુ. ટિકિટ બુક કરવા અનેક ક્રિકેટરસિયાઓ મોબાઈલ તથા લેપટોપ લઈને બેસી ગયા હતા, પરંતુ અંતે તેમના હાથે નિરાશા લાગી હતી. 2 કલાક સુધી તો ટિકિટ બુક થાય એ માટે રાહ જોઈ રહ્યા હતા પરંતુ મીનીટોમાં જ સોરી સોલ્ડ આઉટનો મેસેજ આવી ગયો હતો.
ભારત અને પાકિસ્તાનની મેચની ટિકિટ મેળવવા ક્રિકેટરસિયાઓ પડાપડી કરી રહ્યા છે. શનિવારે BCCI દ્વારા ઓનલાઇન ટિકિટ વેચાણની જાહેરાત કરવામાં આવી હતી. BOOKMYSHOW પર રવિવારે 14 હજાર ટિકિટનું બપોરે 12 વાગ્યે વેચાણ થશે, એવું જણાવવામાં આવ્યું હતું. જેથી ક્રિકેટપ્રેમીઓમાં ટિકિટ મળી જશે તેનો અનેરો ઉત્સાહ હતો. આજે રવિવારનો દિવસ હોવાથી સવારથી જ ક્રિકેટરસિયાઓ ટિકિટ બુક કરવા તૈયારીમાં લાગ્યા હતા. બપોરે 12 વાગે વેચાણ શરૂ થવાનું હતું, પરંતુ લોકો 10 વાગ્યાથી જ BOOKMYSHOW મોબાઈલમાં તથા લેપટોપમાં ખોલીને બેઠા હતા. 12 વાગ્યા અગાઉ જ્યારે પેજ ખોલવામાં આવ્યું, ત્યારે 2000 રૂપિયાની ટિકિટ તથા કમિંગ સૂન આવ્યું હતું, જેથી લોકો ટિકિટ આવે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. 12 વાગ્યે ટિકિટ આવી ત્યારે કમિંગ સૂનની જગ્યાએ બુક ટિકિટ આવ્યું હતું, જેના પર ક્લિક કરતાં તમે ક્યુમાં છો એવું લખીને આવ્યું હતું. આ ઉપરાંત 90 મિનિટ સુધી રાહ જોવી પડશે એવું પણ લખ્યું હતું અને નીચે થેંક યું ફોર વેટિંગ લખીને આવ્યું હતું. ક્રિકેટરસિયાઓ આ તમામ પ્રક્રિયા કરી રહ્યા હતા ત્યારે થોડીવારમાં પેજ બદલાયું અને થેંક યુ લખીને આવ્યું હતું, જે જોઈને તમામ લોકોમાં એક આશા જાગી કે તે કદાચ એક સ્ટેપ અગાળ વધી ગયા છે, પરંતુ થોડીવાર બાદ પછી પહેલાંનુ પેજ આવ્યું હતું. આમ, વારંવાર પેજ બદલતાં રહેતાં ક્રિકેટરસિયાઓ આશા સાથે ટિકિટ બુક થાય એની રાહ જોઈ રહ્યા હતા. અંતમાં, 2 વાગ્યે ટિકિટ સોલ્ડ આઉટ લખીને આવતાં ક્રિકેટરસિકો ભારે નારાજ બન્યા હતા. વિશ્વના સૌથી મોટા ગણાતા સ્ટેડિયમમાં પણ ટિકિટ મેળવવા ફાંફા મારવા પડે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ પણ ઓનલાઇન બૂકિંગ શરૂ થયું ત્યારે ક્રિકેટરસિયાઓએ રાહ જોઈ હતી, પણ ટિકિટ હાથે લાગી નહોતી. રવિવારે પણ લોકોએ 2 કલાક જેટલો સમય રાહ જોઈ તોપણ ટિકિટ ન મળી. જોકે હવે ટિકિટ વેચાણ માટેનો એકપણ રાઉન્ડ આવે એવી શક્યતા નથી. મોટા ભાગની ટિકિટનું વેચાણ થઈ ગયું છે.