
અમદાવાદમાં કાલે ગુરૂવારે પીએમ મોદીનો નરોડાથી ચાંદખેડા સુધીનો 38 કિ.મી લાંબો રોડ શો યોજાશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકોની ચૂંટણી આવતા કાલે યોજાશે. ત્યારે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના નેતાઓએ બીજા તબક્કની તા. 5મી ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી માટે પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે. ભાજપના પ્રચારની બાગદોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી લીધી છે.આવતીકાલે 1 ડિસેમ્બરે સાંજે પાંચ વાગે વડાપ્રધાન મોદીનો 38 કિલોમીટર લાંબો રોડ શો અમદાવાદમાં યોજાશે. જે શહેરના નરોડાથી શરૂ કરી ચાંદખેડા સુધી રોડ શો યોજાશે. પીએમ મોદીના આ રોડ શોમાં શહેરની તમામે તમામ 16 બેઠકોને આવરી લેવામાં આવશે.
પ્રદેશ ભાજપના મીડિયાના સૂત્રોના જણાવ્યા મુજબ આવતી કાલે તા. 1લી ડિસેમ્બરને ગુરૂવારે સાંજના 5 વાગ્યાથી અમદાવાદ શહેરમાં વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાશે. આ રોડ શોનો રૂટ્સ નરોડા ગામ બેઠક – નરોડા પાટિયા સર્કલ – કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી – સુહાના રેસ્ટોરન્ટ – શ્યામ શિખર ચાર રસ્તા – બાપુનગર ચાર રસ્તા – ખોડિયારનગર – BRTS રૂટ વિરાટનગર – સોનીની ચાલી – રાજેન્દ્ર ચાર રસ્તા – રબારી કોલોની – CTMથી જમણી બાજુ – હાટકેશ્વર ચાર રસ્તા – ખોખરા સર્કલ – અનુપમ બ્રિજ – પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા – ફૂટબોલ ગ્રાઉન્ડ – ભુલાભાઈ ચાર રસ્તા – ડાબી બાજુ – શાહ આલમ ટોલનાકા – દાણીલીમડા ચાર રસ્તા – મંગલ વિકાસ ચાર રસ્તા – ખોડિયારનગર બહેરામપુરા – ચંદ્રનગર – ધરણીધર ચાર રસ્તા – જીવરાજપાર્ક ચાર રસ્તા – શ્યામલ ચાર રસ્તા – શિવરંજની ચાર રસ્તા – હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા – પલ્લવ ચાર રસ્તા – પ્રભાત ચોક – પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા – વ્યાસવાડી – ડી માર્ટ – આર.ટી.ઓ સર્કલ સાબરમતી પાવર હાઉસ – સાબરમતી પોલીસ સ્ટેશન – વિસત ચાર રસ્તા – જનતાનગર ચાર રસ્તા – IOC ચાર રસ્તા ચાંદખેડા સુધી નિયત કરવામાં આવ્યો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના રોડ શોને સફળ બનાવવા માટે શહેર ભાજપ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનના અભિવાદન માટે મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટે શહેર ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને સુચના આપવામાં આવી છે. વડાપ્રધાન મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપ દ્વારા હવે જાહેરસભાને બદલે રોડ શો પર વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે.અમદાવાદના અસારવામાં અમિત શાહનો રોડ શો યોજાયો હતો. અસારવાના મોહનસીનેમાંથી શરૂ થઈ મેઘાણીનગર સુધી રોડ શો યોજાયો હતો. અમિત શાહના આ રોડ શોમાં કેબિનેટ મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ જોડાયા હતા. ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો અસારવા ખાતે ઉમટ્યા હતા. દરમિયાન અમદાવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અમરાઈવાડી વિધાનસભા વિસ્તારમાં રોડ શો યોજવામાં આવ્યો હતો. ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ સાથે તેઓ એ અમરાઈવાડીના નાગરવેલ હનુમાન મંદિરથી રોડ શો શરૂ કર્યો હતો અને સમગ્ર અમરાઈવાડી વિધાનસભા વિસ્તારમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. (File photo)