
ધો.12ના પરિણામથી અસંતુષ્ટ હોય તેવા વિદ્યાર્થીઓ માર્કશીટ જમા કરાવીને પરીક્ષા આપી શકશે
ગાંધીનગરઃ કોરોનાને કારણે ધોરણ-12ના વિદ્યાર્થાઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને ધો.10 અને આંતરિકગૂણના આધારે પરિણામ તૈયાર કરવાનું નક્કી કરાયું છે. તજજ્ઞોની કમિટીએ પરિણામ માટે જે ભલામણો કરી હતી તે સરકારે સ્વીકારી લીધી છે, પરંતુ આ પરિણામમાં જો કોઈ વિદ્યાર્થીઓને અસંતોષ હોય તો પરિણામ ગાંધીનગર જમા કરાવીને ધો. 12ની અલગથી પરીક્ષા આપી શકશે.
ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ધો. 12ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ સરકારના આપેલા પરિણામથી અસંતુષ્ટ હોય તો પરિણામ ગાંધીનગર જમા કરાવીને ફરી પરીક્ષા આપી શકશે. તેમના માટે અલગ પરીક્ષા યોજાશે. ધોરણ 12ના તમામ પ્રવાહના નિયમિત ઉમેદવાર માટે સરકાર દ્વારા ગુણાંકન પદ્ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવશે. આ પરિણામ પ્રસિદ્ધ થયા બાદ કોઈ વિદ્યાર્થીને પરિણામથી અંસતોષ હોય તો તેવા વિદ્યાર્થી પરિણામ પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે. આ અંગેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.
શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર કર્યું છે. આ ફોર્મ્યુલા પ્રમાણે ધો.10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે. જુલાઇના બીજા અઠવાડિયામાં માર્કશીટ મળી જશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો.