
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે. ત્યારે બિહાર અને યુપી જેવા દ્ર્શ્યો જોવા મળે તો નવાય નહીં કહેવાય, શનિવારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે રાજકારણે ગરમાયું છે. કોંગ્રેસે ભાજપ પર હુમલો કરાવ્યાનો આક્ષેપ કર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ખેરગામમાં સરપંચને મળવા ગયા હતા તે દરમિયાન બજાર પાસેથી પસાર થતી વેળા કેટલાક ઈસમો દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ગાડીમાંથી ધારાસભ્યને ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા અને આંખના ભાગે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. અનંત પટેલે કહ્યું હતું કે, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ અને અન્ય કેટલાક ગુંડાતત્વોએ મને રોકી હુમલો કર્યો હતો. ધારાસભ્ય દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. ખેરગામના સરપંચ અને આગેવાનોએ એક અગત્યની મીટીંગ માટે ધાસભ્યને બોલાવ્યા હતા. ધારાસભ્ય ખેરગામ પહોંચતા હતા ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ અને કેટલાક ગુંડાઓ દ્વારા ધરાસભ્યની કારના કાચ તોડીને દરવાજા ખોલ્યા હતા અને માર મારવાની કોશિશ કરી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ખેરગામના બહેજમાં નવરાત્રિ દરમિયાન ‘એક જ ચાલે અનંત પટેલ ચાલે’ નામનો ગરબો ગવાયો હતો અને સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો હતો.જેની અદાવત રાખીને હુમલો કરાયો હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. વાંસદાના કૉંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર ખેરગામની બજારમાં હુમલાની ઘટના બન્યા બાદ તેમના સમર્થકોને જાણ થતા જ ઘટનાસ્થળ પર આવી પહોંચ્યા હતા. ત્યારબાદ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા ધારાસભ્યએ તજવીજ હાથ ધરતા મોટી સંખ્યામાં સમર્થકો ખેરગામ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
વાંસદાના કૉંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા મામલે કૉંગ્રેસ દ્વારા એવી પ્રતિક્રિયા આપી હતી કે, આદિવાસીના પ્રશ્નોને લઈને સતત લડાઈ લડતા ગુજરાતના યુવાન ધારાસભ્યની વધતી જતી પ્રતિષ્ઠાથી બોખલાઈને ભાજપાના લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આ સંઘર્ષમાં કોંગ્રેસ પક્ષ એમની સાથે છે.