વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ, એક્ટિવાને અડફેટે લેતા ધવાયેલા બે યુવાનોને હોસ્પિટલ ખસેડાયા
વડોદરાઃ રાજ્યમાં વડોદરા એક એવું શહેર છે. કે, જ્યાં રખડતા કૂતરા અને ઢોરોનો સૌથી વધુ ત્રાસ જોવા મળે છે. રખડતા ઢોરને લીધે શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે. શહેરના સમાથી અભિલાષા કેનાલ તરફ જવાના રોડ પર રખડતા ઢોરે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. એક્ટિવા પર સવાર બે લોકોને ઇજાગ્રસ્ત થયા હતા. જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટીમાં રહેતા કનુભાઈ મણીલાલ પ્રજાપતિ (ઉ.42) બપોરના સમયે અભિલાષા વાલ્મિકીનગર પાસેથી એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક ગાય વચ્ચે આવી જતા એક્ટિવા પરથી પટકાયા હતા. જેથી તેઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગાયે અન્ય વ્યક્તિના અડફેટે લેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. આઠ દિવસ પહેલા શહેરના માણેજા વિસ્તારમાં રખડતા ઢોરએ એક વૃદ્ધા પર હુમલો કરતા વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં સ્પષ્ટપણે જણાતું હતું કે, વૃદ્ધ મહિલા ગંગાબેન પરમાર રસ્તા પર પડી ગયેલાં છે અને ગાયો તેના પર પગથી ખૂંદી રહી છે. આ સાથે મોં દ્વારા પણ મહિલાને ઈજાઓ પહોંચાડી રહી હતી. સ્થાનિકો દ્વારા ભારે જહેમતે ગાયોને દૂર કરી હતી. જોકે, તે પહેલાં જ વૃદ્ધા ગંગાબેન પરમાર મોતને ભેટ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરતા મ્યુનિ.ના ભાજપના સત્તાધિશો 25 વર્ષથી સત્તા ભોગવી રહ્યા છે. વડોદરામાં રસ્તે રખડતી ગાયોને કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. આમ છતાં મ્યુનિ. કોર્પોરેશનમાં સત્તાધારીઓ શહેરીજનોને રસ્તે રખડતી ગાયોના ત્રાસમાંથી મુક્તિ અપાવી શક્યું નથી. શહેરીજનોને રસ્તે રખડતી ગાયોથી મુક્તિ અપાવવા માટે મોટી વાતો થાય છે,પરંતુ તેનો કોઇ અમલ થતો નથી.