
વેરાવળઃ રાજ્યના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં નાતાલની રજાઓ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. દર વર્ષે નાતાલા-થર્ટી ફસ્ટના મિની વેકેશન માણવા માટે આંતરરાજય તથા અન્ય રાજયોના મોટી સંખ્યાંમાં પ્રવાસીઓ સોમનાથ, સાસણ અને દિવ આવતા હોય છે. યાત્રાઘામ સોમનાથમાં નાતાલના દિવસથી લઇ નવા વર્ષના પ્રારંભ સુધી સતત પ્રવાસીઓનો ટ્રાફીક જોવા મળ્યો છે.
બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવના દર્શન માટે સામાન્ય દિવસોમાં પણ ભાવિકોની ભીડ રહેતી હોય છે. જ્યારે નાતાલના વેકેશનને લીધે અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો સોમનાથ દાદાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. જોકે દર વર્ષની તુલનાએ ચાલુ વર્ષે અડઘા પ્રવાસીઓ સોમનાથ આવ્યા હોવાનું કહેવાય છે. ગત વર્ષે કોરોનાની અસર વચ્ચે પણ ડીસેમ્બર 2020 મહિનામાં 2,81,696 ભાવિકોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.જો કે, ચાલુ વર્ષના નાતાલના વેકેશનના ટ્રાફીક અંગે સોમનાથ મંદિર ટ્રસ્ટના જી.એમ. વિજયસિંહ ચાવડાએ જણાવ્યુ હતું કે, સોમનાથ મંદિરમાં તા.25 ડીસેમ્બર નાતાલના દિવસથી પ્રવાસીઓનો ટ્રાફીક જોવા મળી રહયો છે. તા.25 થી 30 સુઘી છ દિવસમાં 1,23,741 જેટલા પ્રવાસીઓએ સોમનાથ મંદિરે દર્શન કર્યા હોવાનું નોંઘાયેલ છે.
જયારે ટ્રસ્ટ હસ્તકના સાગર દર્શન, લીલાવંતી, માહેશ્વરી, ડોરમેટરી સહિતના રોકાવાના ગેસ્ટ હાઉસોમાં સરેરાજ 70 ટકા જેવું એડવાન્સ બુકીગ તા.5 સુઘી થઇ ગયુ છે. સોમનાથ મંદિરમાં દર્શનાર્થે જતા પ્રવાસીઓ પાસે સીકયુરીટી સ્ટાફ માસ્ક પહેરવા સહિતની કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરાવી પ્રવેશ આપે છે. જેથી પ્રવાસીઓ સરળતાથી દર્શન કરવાની સાથે વોક-વે સહિત આસપાસના સ્થશળોએ ફરી રહયા છે. જેના લીઘે હોટલ-ચા-પાણી-ગાંઠીયા, રમકડા, ડમરૂ, પૂજાસામાન વેંચતા વેપારીઓનોને સારીએવી ગરાકી થઈ હતી.
નૂતનવર્ષ વર્ષ 2022ના આજે પ્રથમ દિવસે સોમનાથ મંદિરે માસિક શિવરાત્રી અને શનિવાર છે બીજા દિવસે કાલે રવિવાર છે અને પછીના દિવસે શિવભક્તોનો પ્રિય સોમવાર છે. જેથી પ્રવાસીઓની ભીડ મોટી સંખ્યામાં દર્શન માટે આવી રહ્યા છે. યાત્રીકો સલામત રીતે પ્રવાસ કરવાની સાથે રોકાણ કરી શકે તે માટે યાત્રાઘામની તમામ હોટલોમાં કોવિડની ગાઇડલાઇનનું ચુસ્તી પાલન કરવામાં આવી રહયુ છે.