અમદાવાદઃ દિવાળીના પર્વને પખવાડિયાનો સમય બાકી રહ્યો છે, ત્યારે આ વખતે સારી ઘરાકી રહેશે. તેવી આશાએ વેપારીઓ ફટાકડાનાં વેચાણ માટે મંજુરી મેળવવા દોડધામ કરી રહ્યા છે. જ્યારે ઘણા વેપારીઓને મંજુરી મળી જતાં શહેરના અલગ-અલગ વિસ્તારમાં ફટાકડાના સ્ટોલ ખૂલી ગયા છે. આ વર્ષે નવી નવી જાતના ફટાકડાની 500 વેરાઇટી બજારમાં આવી છે, પરંતુ કેમિકલના ભાવમાં વધારો થતાં ફટાકડાના ભાવમાં 30 થી 35 ટકાનો વધારો થયો છે.
અમદાવાદમાં દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા ફડાકડાં બજારમાં તેમજ રાયપુર દરવાજા વિસ્તારમાં આવેલી ફટાકડાંની દુકાનોમાં 5 રૂપિયાથી શરૂ થઇને રૂ.6000 સુધીના ફટાકડા વેચાઇ રહ્યા છે. શહેરના નજીકના ગામોમાં ફટાકડાનું ઉત્પાદન કરતા વેપારીઓએ જણાવ્યું કે, ફટાકડા બનાવા માટે જ રોમટીરિયલની જરૂર પડે છે. તેના ભાવમાં અસહ્ય વધારો થયો છે. ફટાકડામાં વપરાતા કેમિકલના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે. કાગળના ભાવમાં 25 ટકાનો વધારો થયો. જ્યારે મોંઘવારીના કારણે કારીગરોના પગારમાં પણ વધારો થયો છે. ગત વર્ષે જે કારીગરોને રૂ. 275 આપતા હતા તેમને હવે રૂ. 325 ચૂકવવા પડે છે. આમ ઉત્પાદન માટે જરૂરી તમામ પાસાઓના ભાવમાં વધારો થયો છે. જેના કારણે આ વર્ષે ફટાકડાના ભાવમાં 30થી 35 ટકાનો વધારો થયો છે.ગત વર્ષે કોરોનાને કારણે ફટાકડાના વેચાણ ખૂબ જ ઓછું થયું હતું. પરંતુ આ વર્ષે ફટાકડાના ઓર્ડર જે રીતે મળ્યા છે તેને જોતા વેચાણ 30થી 40 ટકા વધારે થવાની આશા છે. પરંતુ ભાવ વધારાના કારણે ફટાકડાનું કુલ વેચાણ 60 ટકા જેટલું રહી શકે છે.
અમદાવાદ શહેરમાં 500થી વધુ વેરાયટીના ફટાકડા મળી રહ્યા છે. બાળકોમાં કલર સાવલ, મેજિક બોનાન્ઝા, જાદુઈ તળાફળી, દશ કલર પેન્સિલ, સુમો બોક્સ, જમીન ચક્કર, ભંભુ, ફૂલઝરી, રોકેટ ફેવરિટ રહ્યાં છે. બાળકો વધુ પડતાં આ વેરાયટીના જ ફટાકડાની પસંદગી કરે છે તો યુવાનોમાં સૂતળી બૉમ્બ, વિક્ટર બોમ્બ, વોલ્વો બોમ્બ, કમાન્ડર બોમ્બ, 240 શોટ, 500 શોટ, 1000 શોટના ફટાકડાએ આકર્ષણ જમાવ્યું છે. આ વર્ષે આકાશી બોમ્બ, મ્યુઝિકલ આકાશી બોમ્બ, નવી વેરાઇટીના ફટાકડાના 50 રૂપિયાથી લઈને રૂ. 5000થી 8000 સુધીના ભાવે બજારમાં વેચાઈ રહ્યા છે તેમજ આ વર્ષે બાળકો માટે અવાજ વગરની વેરાઇટી પણ માર્કેટમાં આવી ગઈ છે, જેથી બાળકોને કોઈ નુકસાન ન થાય તો આ વર્ષે ફટાકડામાં કેમિકલના ભાવ વધારાના કારણે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે દર વર્ષ કરતા આ વર્ષે માત્ર 60 ટકા ઉત્પાદન કરવામાં આવ્યું છે.