
મહેસાણાઃ ઊંઝા માર્કેટયાર્ડમાં આવેલા નવા ગંજબજારની 133 દુકાનોની માલિકીના પ્રશ્ને વેપારીઓએ બાંયો ચઢાવી છે. અને આ પ્રશ્નનું સુખદ નિરાકરણ ના આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવાનો નિર્ણય વેપારી મંડળની બેઠકમાં લેવામાં આવ્યો હતો. જેને લઈ બુધવારે ગંજ બજારના વેપારીઓ સંપૂર્ણપણે દુકાનો બંધ રાખી હડતાળ પર ઉતર્યા હતા.
ઊંઝા APMC ખાતે વેપારીઓ બુધવારે હડતાળ પર ઉતર્યા હતા. વેપારીઓ વિરોધ માટે એકઠા થયા હતા. જેમાં ધારાસભ્ય કિરીટ પટેલ, અને વાઇસ ચેરમેન અરવિંદ પટેલ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વેપારીઓએ ચીમકી આપી હતી કે, જ્યાં સુધી સુખદ નિરાકરણ નહિં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ ચાલું રહેશે. દરમિયાન ઊંઝા વેપારી મંડળના પ્રમુખ વિમલ પટેલે જણાવ્યું હતું કે, ઊંઝા નવા ગંજ બજારની 133 દુકાનો અગાઉની માર્કેટયાર્ડની બોડી દ્વારા દસ્તાવેજો કરી માલિકી હક્ક પરત અપાયા હતા. હાલમાં સરકારમાં રજૂઆત કરી રાજકીય રમતો રમાઈ રહી છે જેને લઇ જિલ્લા રજિસ્ટ્રાર 27 જુલાઈએ જવાબ લેવાના છે. વેપારીઓનો વિરોધ એ છે કે, વેપારીઓના નામે થયેલી મિલકતમાં સરકાર કેમ દખલગીરી કરી રહી છે. જેના વિરોધમાં બુધવારથી અચોક્કસ મુદ્દત સુધી માર્કેટયાર્ડ બંધ રાખવાનો તમામ વેપારીઓએ નિર્ણય કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છેકે, 2017-18માં 133 દુકાનો બોર્ડ દ્વારા વેચાણ કરી બાદમાં વેપારીઓને દુકાનોનો માલિકી હક્ક કરી આપ્યો હતો. જેની સામે પટેલ હરેશ નરોત્તમદાસે અરજી કરી હતી કે, નિયામક, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગરના તા.20-11-1999ના પરિપત્ર મુજબ બજાર સમિતિની માલિકીની દુકાનો, પ્લોટ જાહેર હરાજીથી શરતોને આધિન માત્ર ભાડાપટ્ટે આપી શકશે તેવી સ્પષ્ટ સૂચના હોવા છતાં 133 દુકાનો વેચાણથી આપેલી છે. આ અરજી અન્વયે નાયબ નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્રને તપાસ સોંપાઇ હતી. જેમણે પૂર્વ સેક્રેટરી તેમજ વર્ષ 2017-18ના બોર્ડના તમામ સભ્યોને 27 જુલાઈએ APMC બોર્ડ મિટિંગ રૂમમાં હાજર રહેવા જણાવ્યું છે.
ઊંઝા APMCના ચેરમેન દિનેશ પટેલે જણાવ્યું હતું કે, જૂના બોર્ડની કોઇ રજીસ્ટ્રારમાં થયેલી અરજીને લઇ 133 દુકાનના વેપારીઓ દુકાન ટાઇટલને લઇ કોઇ તકલીફ તો નહીં થાયને તેવી ચિંતામાં છે. અમે વેપારીઓને કોઇ નુકસાન ન થાય તેવું ઇચ્છીએ છીએ, વેપારીઓની સાથે જ છીએ. આ અંગે APMC વેપારી મંડળના કર્મચારી અને ગંજ બજાર વેપારી સીતારામ પટેલે જણાવ્યું હતું કે, ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલ અને APMC ઊંઝા દ્વારા પુરો સહકાર મળ્યો છે. અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાળ યથાવત રહશે.
મહેસાણા જિલ્લા રજીસ્ટ્રાર એસ.એલ. ઝાલાએ કહ્યું કે, ઊંઝામાં દુકાનો બાબતે ખોટી રીતે વેચાણ થયાની અરજી આવેલી છે, તેમાં તપાસ ચાલી રહી છે. આગામી તા. 27મીએ સુનાવણીમાં નિવેદન લઇશું, રેકર્ડની ચકાસણી કરીશું ત્યારે તથ્ય સ્પષ્ટ થશે. હાલ તપાસ કાર્યવાહી ચાલુમાં છે.
.