આદિ શંકરાચાર્યના સમગ્ર કર્તૃત્વને ગુજરાતીમાં ઉતારવાનું ભગીરથ કાર્ય પૂર્ણ, હવે 15 ગ્રંથ ઉપલબ્ધ
- સંસ્કૃત ભાષાના વિદ્વાન ડૉ. ગૌતમ પટેલ, નીલમબેન પટેલ અને ટીમ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી ચીરસ્થાયી ઇતિહાસ બની રહેશે
[અલકેશ પટેલ] અમદાવાદ, 13 જાન્યુઆરી, 2026 works of Adi Shankaracharya into Gujarati હિન્દુત્વના અનેક વિદ્વાનો અને ક્યારેક સામાન્ય લોકો પણ વાતચીતમાં આદિ શંકરાચાર્યના નામનો ઉલ્લેખ કરતા હોય છે. તેમના એકાદ સ્તોત્ર અથવા તેમની કામગીરીને ટાંકીને અનેક લોકો વાતચીત કરતા હોય છે. પરંતુ આદિ શંકરાચાર્યના સમગ્ર કર્તૃત્વને વાંચ્યું હોય, તેને સમજ્યા હોય અને તે વિશે અધિકારપૂર્વક વાત કરી શકે તેવા સાવ જૂજ વિદ્વાનો હોય છે. આવા જ એક વિદ્વાન છે ડૉ. ગૌતમભાઈ પટેલ. ગુજરાતમાં સંસ્કૃત ભાષાના વિદ્વાનોની પ્રથમ હરોળમાં સ્થાન પામનાર ગૌતમભાઈએ હમણાં એક ભગીરથ કાર્ય પૂર્ણ કર્યું છે અને હવે તે આપણને સૌને હાથવગું થવાનું છે.
આજથી બે દિવસ પછી અર્થાત 15 જાન્યુઆરી, 2026ને ગુરુવારે એક સાથે 15 ગ્રંથનું લોકાર્પણ થવાનું છે. શહેરના ટાગોર હૉલમાં આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિદ્વાન શ્રી સુરેશ સોનીના હસ્તે લોકાર્પણ થશે. આ ગ્રંથાવલીનું પ્રકાશન સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય દ્વારા થઈ રહ્યું છે.
આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલીઃ
આદિ શંકરાચાર્યના સમગ્ર જીવન અને ભાષ્યને ગુજરાતી ભાષામાં ઉતારવાનું. આ અંગે ગૌતમભાઈ પટેલે રિવોઈ સાથે વિશેષ વાતચીત કરી હતી. આ વિશેષ મુલાકાતમાં ડૉ. ગૌતમભાઈએ જણાવ્યું કે તેમણે તથા તેમના પત્ની નીલમબેન પટેલે અન્ય સંસ્કૃત જ્ઞાતાઓની મદદથી આમ તો આ કામ છેક 1998માં ઉપાડ્યું હતું અને 2012 સુધીમાં 12 ગ્રંથ તૈયાર કરીને પ્રકાશિત કર્યા હતા. વાસ્તવમાં તે સમયે જે 12મો ગ્રંથ હતો (જે હવે 15મો ગ્રંથ છે) તેમાં ભારત ઉપરાંત દુનિયાના કેટલાક સંસ્કૃત અને આદિ શંકરાચાર્ય વિશેના નિષ્ણાતોના લેખોનો સંગ્રહ છે. જેમ કે નાની પાલખીવાળા, એસ.આર. ભટ્ટ, જાપાનના નાગરિક ટ્રેવર લગેશ, યુગોસ્વાવિયાના સુશ્રી રાડા ઈવાકી, રોમમાં વસતા મણિભદ્ર, કેનેડામાં વસતા મહેશભાઈ મહેતા, પેનસિલ્વેનિયાસ્થિત વિલિયમ હાફપાસ વગેરેનો સમાવેશ થાય છે.
જુઓ વીડિયો
શ્રી ગૌતમભાઈનો સંસ્કૃત પ્રત્યેનો લગાવ અને આ વિષય ઉપરનું તેમનું જ્ઞાન સંસ્કૃત ભાષાના ચાહકો માટે, ખાસ કરીને યુવાનો માટે પ્રેરણાદાયક છે. ગુજરાત સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂકેલા ગૌતમભાઈ ઑલ ઈન્ડિયા ઓરિએન્ટલ કૉન્ફરન્સ (AIOC)નું પ્રમુખપદ પણ શોભાવી ચૂક્યા છે. ગુજરાતીઓએ ગૌરવ લેવા જેવી વાત એ છે કે, AIOCની સ્થાપના 1919માં થઈ હતી અને સંસ્થાના 100મા વર્ષે અર્થાત 2020માં ગૌતમભાઈ તેના પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા. સંસ્કૃત સાહિત્ય સેવા માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર, સાહિત્ય સેવા પુરસ્કાર, ‘વિદ્યાવાચસ્પતિ’ જેવી પદવીઓથી સન્માનિત ગૌતમભાઈ પટેલે રિવોઈ સાથેની આ વિશેષ મુલાકાતમાં કહ્યું કે, ભારતમાં અંધકાર યુગ જેવી સ્થિતિ હતી તે સમયે આદિ શંકરાચાર્યે જે દીર્ઘ દૃષ્ટિથી સનાતન એકતા માટે કામગીરી કરી તે અસાધારણ છે.

ઉંમરના 90મા દાયકે પહોંચેલા ગૌતમભાઈને આદિ શંકરાચાર્ય વિશે વાત કરવાની તક મળે તો હજુ અસ્ખલિત બોલવાનો ઉત્સાહ ધરાવે છે. તેમણે માહિતી આપી કે, તેમના આ અનુવાદ અને સંપાદન કાર્યના પ્રકાશનમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય સચિવ પ્રવીણભાઈ લહેરી (પી.કે. લહેરી) સહિત મહાનુભાવોનો સક્રિય સહકાર મળ્યો છે. જ્યારે તેમના પત્ની નીલમબેન, ભામતી પુરસ્કારથી સન્માનિત ડૉ. ઊર્મિબેન શાહ અને નિરંજનાબેન વોરા, ડૉ. રવીન્દ્ર ખાંડવાલા, ડૉ. આર.ટી. વ્યાસ વગેરેની અનુવાદ અને સંપાદન કામગીરીમાં મદદ મળી છે.
સંસ્કૃત ભાષાનું ભવિષ્ય ઉજ્જ્વળ છે
સંસ્કૃતના આવા વિદ્વાન સાથે વાત કરવાની હોય એટલે સ્વાભાવિક રીતે જ આ દેવભાષાના વર્તમાન અને ભવિષ્ય વિશે પ્રશ્ન થાય જ. તેના જવાબમાં શ્રી ગૌતમભાઈએ ખૂબ ઉત્સાહથી કહ્યું કે, વર્તમાન સરકારના સમયમાં સંસ્કૃત ભાષાનું ભવિષ્ય ઉજ્જ્વળ છે. આ સંદર્ભમાં તેમણે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપનાનો પણ ખાસ ઉલ્લેખ કર્યો. અને આ યુનિવર્સિટીની સ્થાપનામાં તેમના પોતાના પ્રદાન વિશે પણ રિવોઈને જણાવ્યું. સમગ્ર વાતચીત દરમિયાન ગૌતમભાઈ ભિક્ષુ અખંડાનંદજી દ્વારા સ્થાપિત સસ્તું સાહિત્ય સંસ્થા, તેમની સાથે સંપાદન અને અનુવાદમાં સહાય કરનાર વિદ્વાનો ઉપરાંત અમિતભાઈ શાહનો ઉલ્લેખ કરીને જાણે એક રીતે આવી ગંજાવર કામગીરીની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા હતા.


