1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્રમાં ટ્રાન્સપોર્ટ એસો.એ ટોલટેક્સ નહીં ભરવાની ચીમકી આપતા રોડ મરામતના કામો હાથ ધરાયા
સૌરાષ્ટ્રમાં ટ્રાન્સપોર્ટ એસો.એ ટોલટેક્સ નહીં ભરવાની ચીમકી આપતા રોડ મરામતના કામો હાથ ધરાયા

સૌરાષ્ટ્રમાં ટ્રાન્સપોર્ટ એસો.એ ટોલટેક્સ નહીં ભરવાની ચીમકી આપતા રોડ મરામતના કામો હાથ ધરાયા

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં વરસાદને કારણે નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જેમાં રાજકોટ-અમદાવાદ, ભાવનગર, ગોંડલ હાઈવે તૂટેલી હાલતમાં અને ઠેર-ઠેર ખાડા હોય વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડતી હતી. રોડ-રસ્તાની ખરાબ હાલતને લઈને ટ્રક-ટ્રાન્સપોર્ટરોએ ટોલટેક્સ નહીં ભરવાની ચીમકી આપીને રાજકોટના કલેક્ટરને રજૂઆત કરી હતી.ત્યારબાદ હાઇવેના સમારકામની કામગીરી શરૂ કરાતા ટ્રાન્સપોર્ટરોએ પોતાનો વિરોધ મુલતવી રાખ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  સૌરાષ્ટ્રમાં વરસાદને કારણે નેશનલ અને સ્ટેટ હાઈવેની હાલત બિસ્માર બની ગઈ હતી. હાઈવે પર ઠેર ઠેર ખાડાંઓને લીધે વાહનચાલકો પરેશાન બની ગયા છે. ત્યારે ટ્રાન્સપોર્ટ એસોસિએશન રોડને મરામત કરવામાં નહીં આવે તો ટોલ ટેક્સ ન ભરવાની ચીમકી આપી હતી. તેમજ રાજકોટ જિલ્લા કલેક્ટરને રજુઆત પણ કરી હતી. આમ ટ્રાન્સપોર્ટ એસોસિએશને બિસ્માર હાઇવે મુદ્દે આંદોલન છેડવાની જાહેરાત કરતા સૌરાષ્ટ્રના મોટાભાગના હાઇવે પર પેચ વર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. એટલે હવે ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિયેશન ટોલટેક્સનો વિરોધ નહીં કરે. તમામ નિયમોને ઘોળીને પી જતા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ટ્રક માલિકોની ચીમકીના પગલે તાબડતોબ કામગીરી શરૂ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં બિસ્માર રસ્તાઓને લઈને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. તુટેલા રસ્તાઓને લઈને ટ્રાન્સપોર્ટ એસોસિયેશન મેદાનમાં આવી ગયું છે. રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિયેશને નેશનલ હાઈવે ઓથોરિટીને રસ્તા રિપેર કરવા માટે 8 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું અને જો આઠ દિવસમાં આ રસ્તાઓ સમારકામ ન થાય તો ટોલટેક્સ નહીં ભરવાની ચીમકી ઉચ્ચારી હતી. ભારે વરસાદ બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા છે. રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિયેશને કલેક્ટર સાથે બેઠક કરીને રજુઆત કરી હતી. રજુઆતના આધારે કલેક્ટરે તાત્કાલિક રસ્તા રિપેર કરવા નેશનલ હાઈવે ઓથોરિટીને નોટિસ ફટકારી હતી. (File photo)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code