
જુનાગઢના વંથલી નજીક હાઈવે પર ત્રિપલ અકસ્માત, શાળા પ્રવાસની બસના 12 વિદ્યાર્થિનીને ઈજા
જૂનાગઢઃ રાજ્યમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માત જુનાગઢના વંથલી નજીક બે બસ અને કાર વચ્ચે સર્જાયો હતો. સ્કૂલની વિદ્યાર્થિનીઓને લઈ પ્રવાસે નીકળેલી બસ સહિત ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતાં સ્કૂલ-બસમાં સવાર 12 વિદ્યાર્થિનીને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના બનાવની જાણ થતાં રાહદારીઓએ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને અકસ્માતનો ભોગ બનેલી બસમાંથી વિદ્યાર્થિનીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાસ્થળ પર ટ્રાફિકજામ થતાં પોલીસે પહોંચી વાહનાવ્યવહારને પૂર્વવત્ કરાવ્યો હતો. 12 જેટલી ઘાયલ થયેલી વિદ્યાર્થિનીઓને જૂનાગઢ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
સૂત્રોમાંથી આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે, કે, આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આસોદર ગામની હાઈસ્કુલની 53 વિદ્યાર્થિનીઓને પ્રવાસે લઈને નીકળેલી બસ સોમનાથથી પરત ફરી રહી હતી ત્યારે વંથલી નજીક અન્ય એક બસ અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. ધડાકાભેર અકસ્માત થતાં બસમાં સવાર વિદ્યાર્થિનીઓમાં દેકારો બોલી ગયો હતો. અકસ્માતના પગલે રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનના ચાલકો દોડી આવ્યા હતા અને વિદ્યાર્થિનીઓને અકસ્માતગ્રસ્ત બસમાંથી બહાર કાઢી હિંમત આપવાનો પ્રયાસ કર્યો હતો. 12 જેટલી વિદ્યાર્થિનીઓને નાની-મોટી ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવી છે. અકસ્માતમાં બંને બસમાં મોટું નુકસાન થયું હતું. સદનસીબે જાનહાનિ થતાં અટકી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વંથલી નજીક એક કાર અને બસ વચ્ચે અકસ્માત થતાં બસ પલટી ગઈ હતી, તે સમયે પાછળ આવી રહેલી શાળાની બસ પલટી ખાઈ ગયેલી બસ સાથે અથડાતાં શાળાની બસ રસ્તાની નીચે ઊતરી ગઈ હતી, જેમાં 10થી 12 વિદ્યાર્થિનીને સામાન્ય ઈજા પહોંચી છે. કોઈને ગંભીર ઈજા નથી. જ્યારે ટ્રિપલ અકસ્માતમાં સ્કૂલ પ્રવાસની બસ સિવાયની જે અન્ય એક બસ અને કાર હતી એમાં સવાર લોકોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં ત્રણ લોકોને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.