ભારતીય શેરબજારમાં રોકાણકારોની સુનામી, 2.35 કરોડ નવા ડીમેટ ખાતા ખુલ્યા
નવી દિલ્હી, 30 જાન્યુઆરી 2026: સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ 2025-26 મુજબ, ભારતના મૂડીબજારમાં રિટેલ રોકાણકારોની ભાગીદારીમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ડિસેમ્બર 2025 સુધીમાં કુલ 2.35 કરોડ નવા ડીમેટ ખાતા ઉમેરાયા છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે ભારતીય પરિવારોમાં હવે નાણાકીય સાક્ષરતા વધી રહી છે અને શેરબજાર પ્રત્યેનો ભરોસો મજબૂત થયો છે. ભૌગોલિક તણાવ અને વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા હોવા છતાં, એપ્રિલથી ડિસેમ્બર 2025 વચ્ચે ભારતીય બજારો અડીખમ રહ્યા છે. કંપનીઓના સારા પરિણામો, ટેક્સમાં રાહત અને ફુગાવામાં ઘટાડાને કારણે આ સમયગાળામાં નિફ્ટીમાં 11.1 ટકા અને સેન્સેક્સમાં 10.1 ટકાનો વધારો નોંધાયો છે.
સર્વેક્ષણમાં જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર 2025માં એક મોટો માઈલસ્ટોન હાંસલ થયો હતો, જ્યારે દેશમાં યુનિક ડીમેટ રોકાણકારોની સંખ્યા 12 કરોડને વટાવી ગઈ હતી. ખાસ વાત એ છે કે આમાં 25% (ચોથા ભાગના) રોકાણકારો મહિલાઓ છે. આ રોકાણ માત્ર મેટ્રો શહેરો પૂરતું મર્યાદિત નથી, પરંતુ મ્યુચ્યુઅલ ફંડના 5.9 કરોડ રોકાણકારોમાંથી 3.5 કરોડ રોકાણકારો ટિયર-1 અને ટિયર-2 શહેરોની બહારના (નાના નગરો અને ગ્રામીણ વિસ્તારોના) છે.
આ પણ વાંચોઃ કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
ભારતીયોમાં બચત કરવાની પદ્ધતિ બદલાઈ રહી છે. વર્ષ 2011-12માં ઘરેલું બચતમાં શેર-મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો માત્ર 2 ટકા હતો, જે હવે વધીને 15 ટકાથી વધુ થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2016-17માં માસિક એસઆઈપી રોકાણ 4,000 કરોડ રૂપિયાથી ઓછું હતું, જે નાણાકીય વર્ષ 2025-26માં વધીને 28,000 કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે.
ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે આઈપીઓની સંખ્યામાં 20 ટકા અને તેના દ્વારા એકત્ર કરાયેલા ભંડોળમાં 10 ટકા નો વધારો થયો છે. અત્યાર સુધીમાં 217 લઘુ અને મધ્યમ ઉદ્યોગો લિસ્ટેડ થયા છે, જેમણે 9,600 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. છેલ્લા એક દાયકામાં આ બજાર 12 ટકા ના દરે વધ્યું છે. વર્ષ 2024-25માં નવા બોન્ડ્સ દ્વારા રેકોર્ડબ્રેક 9.9 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટ સાબિત કરે છે કે ભારતનું સામાન્ય માણસ હવે માત્ર બચતકાર નથી રહ્યો, પરંતુ એક સક્રિય રોકાણકાર બનીને દેશના આર્થિક વિકાસમાં ભાગીદાર બની રહ્યો છે.


