
ચોરવાડના બંદરે નજીવી વાતે બે જુથ બાખડી પડતા 12 જણાં ઘવાયા
વેરાવળઃ માળીયા હાટીના તાલુકાના ચોરવાડના બંદર પર નજીવી વાતે ખારવા સમાજ અને મછીયારા સમાજ વચ્ચે જુથ અથડામણ થતાં મહિલાઓ સહિત 12 વ્યક્તિઓ ઘવાયા હતા. આ બનાવની જાણ થતા પોલીસનો કાફલો દાડી ગયો હતો. પુરતો બંદોબસ્ત ગોઠવીને જુથ અથડામણમાં ઘવાયેલાઓને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.
સૂત્રોમાંથી આ બનાવની વિગતો એવી જાણવા મળી હતી કે, માળિયા હાટીના તાલુકાના ચોરવાડથી ત્રણ કિલોમીટર દૂર બંદર ખાતે ખારવા સમાજ અને મછિયારા સમાજ જૂથ વચ્ચે સામાન્ય બોલા ચાલીમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બન્ને જૂથ વચ્ચે સામસામે પથ્થર મારો અને હથિયારના છૂટા ઘા વચ્ચે મારા મારીના દ્રષ્યો સર્જાયા હતા. આ બનાવની પોલીસને જાણ થતા પોલીસે તુર્તજ ઘટના સ્થળે દોડી જઇને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
આ જૂથ અથડામણમાં ઘાયલ થયેલ 12 વ્યક્તિઓને ચોરવાડ સામુહિક આરોગ્ય કેન્દ્ર પર સારવાર આપવામાં આવી હતી. ઘાયલોમાંથી ધનુબેન કાનજીભાઇ સોલંકી (ઉ.વ.60), શંકરા, ગોપાલ દોદાર (ઉ.વ.38, પરેશ લખમ ભહેશા (ઉ.વ.30), રાજેશ કાનજી સોલંકી (ઉ.વ.38), અમિનાબેન જાકુળ ઢાંકી (ઉ.વ.45) મોળુળ જાકુળ ઢાંકી, જાકુળ ગુલમહોમદ ઢાંકી (ઉ.વ.42), સદામ સતાર (ઉ,વ.24) ઇબ્રાહીમ હાસમ ઢાંકી (ઉ.વ.45) આશીફ ઢાંકી, (ઉ.વ. 18) હમીદા હુસેન ઢાંકી (ઉ.વ.28) આદિક ફકીરા ઢાંકી (ઉ.વ.30) ને ઇજા થતા સરકારી દવાઓને સારવાર આપવામાં આવી હતી. જ્યારે રાજેશભાઇ કાનજીભાઇ સોલંકી (ઉ.વ.38)ને માથાપર વધુ ઇજા હોવાથી સારવાર માટે વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.. આ જૂથ અથડામણની ચોરવાડ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે અને પોલીસ દ્વારા બંદર ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.