
બનાસકાંઠામાં બે અકસ્માત, પાલનપુરમાં ટ્રકે 5 વાહનોને અડફેટે લીધા, અંબાજી નજીક ટ્રકે પલટી મારી
પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં અકસ્માતના વધુ બે બનાવ બન્યા હતા. પ્રથમ અકસ્માત પાલનપુરના જૂના RTO સર્કલ પાસે સર્જાયો હતો. એક ટ્રકની બ્રેક ફેલ થતા એક બાદ એક પાંચ કારને ટ્રકે અડફેટે લીધી હતી. જીવ અધ્ધર કરી દેતા આ અકસ્માતમાં પાંચ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે બીજો અકસ્માતનો બનાવ અંબાજીથી આબુરોડ સર્જાયો હતો. ટ્રકચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક રોડ પર પલટી ખાઈ ગયો હતો. જોકે બન્ને અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.
પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, પાલનપુર આબુ હાઇવે પર જુના આરટીઓ સર્કલ નજીક આબુરોડથી પાલનપુર તરફ આવી રહેલ ટ્રકની બ્રેક ફેલ થઈ જતાં ટ્રક બેકાબુ બની હતી. અને પાંચ જેટલી કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ બનેલી ટ્રકના કારણે હાઈવે પર જીવ અદ્ધર કરી દેતા દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતમાં પાંચ લોકોને ઈજા થતા 108 દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતની ઘટનામાં જાનહાનિ થતા અટકી હતી.
અકસ્માતનો બીજો બનાવ અંબાજી નજીક સર્જાયો હતો. અંબાજીથી આબુરોડ જતા શીતળા માતા ઘાટી નીચે ટ્રકે રોડ પર પલટી ખાધી હતી. જો કે આ અકસ્માતના બનાવમાં મોટી જાનહાની ટળી હતી. ટ્રકની બ્રેક ફેઈલ થઈ હોવાનું અનુમાન લગાવવા આવી રહ્યું છે. જેથી સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. ટ્રક માલ સામાન સાથે રોડ પર પલટી ગયો હતો. ત્યારે આસપાસના લોકો આવીને ડ્રાઇવરને ટ્રકમાંથી બહાર કાઢ્યો હતો. ટ્રક રાજસ્થાન તરફ઼ લોખંડ અને રૂ ભરીને જઈ રહ્યો હતો. અવાર નવાર આ ઘાટીમાં અકસ્માત થાય છે. શીતળા માતાના ઘાટી આગળ આ ટ્રકનો અક્સ્માત થયો છે. ડ્રાઈવરને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માત થતાં અંબાજી પોલીસે તપાસ હાથ ધરી છે.