
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં લશ્કરના બે આતંકી ઘેરાયા , એક ઈજાગ્રસ્ત જવાન શહીદ
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 3 દિવસથી આતંકીઓ સક્રિય બન્યા છે આતંકીઓ સાથેની અથડામણ દરમિયાન કર્નલ સહીત ત્રણ લોકો શહીદ થયા બાદ સમગ્ર વિસ્તારમાં આપરેશન ચલાવવામાં આવ્યું ત્યારે હવે અનંતનાગમાં સેનાએ લશ્કરના બે આતંકીઓને ઘેરી લીઘા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે અનંતનાગમાં આતંકીઓને ઠાર કરવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તો સાથે જ અન્ય એક બીજા સૈનિકનું ત્રીજા દિવસે મોત થયું છે. આ અથડામણમાં વધુ બે જવાન ઘાયલ થયા છે.
માહિતી પ્રમાણે હાલમાં પેરા કમાન્ડો પણ આતંકીઓને શોધવામાં લાગેલા છે. લશ્કરના બે આતંકવાદીઓ ઘેરાયેલા છે. કોકરનાગના જંગલમાં ત્રીજા દિવસે પણ સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે. ડ્રોન, હેલિકોપ્ટર અને રોકેટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ સહીત ગાઢ જંગલ અને ડુંગરાળ વિસ્તારના કારણે આ ખાસ ટુકડી તૈનાત કરવામાં આવી છે. આ સિવાય જે પહાડી પર આતંકીઓ સંતાયેલા હોવાની આશંકા હતી ત્યાં રોકેટ છોડવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષા દળોએ ઉઝૈર ખાન સહિત લશ્કરના બે આતંકીઓને ઘેરી લીધા છે. આ પહેલા સુરક્ષા દળોએ બુધવારની રાત બાદ ગુરુવારે સવારે લગભગ 6 વાગે ફરી આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે કોકરનાગના ગડુલ જંગલોમાં આતંકવાદીઓની હિલચાલ અંગેના ઈનપુટ બાદ સેનાની 19 રાષ્ટ્રીય રાઈફલ્સ જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFની સંયુક્ત પાર્ટીએ બુધવારે વહેલી સવારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ઘેરાબંધી દરમિયાન જંગલ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ સંયુક્ત ટીમ પર જોરદાર ગોળીબાર કર્યો હતો. એન્કાઉન્ટર કર્નલ સહીત ત્રણ લોકો શહીદ હતા.