
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જન્મજાત અન્નનળીની ખામીથી પીડાતા બે બાળકોને નવું જીવન મળ્યું
ગાંધીનગરઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી વિભાગના ડોક્ટરો એ જન્મજાત અન્નનળીની ખામીથી પીડાતા બે બાળકોને નવું જીવન આપ્યું છે. અઢી વર્ષની ઉમર સુધી ખોરાકનો એક દાણો પણ ન લઇ શકતા બે બાળકોને સિવિલના પીડીયાટ્રીક સર્જરી વિભાગના ડોક્ટરો એ દુર્લભ સર્જરી કરીને પીડામુક્ત કર્યા. અંદાજીત દર 3200 માંથી લગભગ એક બાળક ઇસોફેજલ એટ્રેસિયા નામની જન્મજાત ખામી સાથે જન્મે છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જનો આ પ્રકારની સર્જરી કરીને બાળકોને પીડામુક્ત કરે છે. બાળકોને મોઢેથી ખોરાક લેતા જોઇ બંને માતાઓની આંખોમાં હર્ષના આંસુ આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી આ વિશે જણાવ્યું હતું કે, આ સર્જરી સૌથી વધુ પડકારજનક હતી. સદનસીબે, ઓપરેશન અને તે પછી નો પોસ્ટઓપરેટીવ સમય બંને બાળકોમાં કોઈપણ તકલીફ વિના, સરળતાથી પુરો થયો. ઓપરેશન પછી શરુઆત ના સમય માં બાળકોને પોષણ પૂરું પાડવા માટે નાના આંતરડામાં કામચલાઉ ફીડિંગ ટ્યુબ મૂકવામાં આવી હતી. નવી બનાવેલી અન્નનળી સારી રીતે જોડાય ગઇ છે અને તેમાં રુઝ બરાબર આવી ગઇ છે તેની ખાતરી કર્યા બાદ બંને બાળકોને મોઢેથી ખોરાક આપવામાં આવ્યો અને બંને હવે સારી રીતે ખોરાક મોઢેથી લઈ શકે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં જ પેનનું ઢાકણુ ગળીજનાર બાળક તથા એલઈડીની લાઈટ ગળી જનાર અન્ય બાળક ઉપર પણ સફળતાપૂર્વક સર્જરી કરીને તેમને નવજીવન આપવામાં આવ્યું હતું.