
અમદાવાદઃ શહેરના એસજી હાઇવે પર જાસપુર પાસે વહેલી સવારે ટ્રકની પાછળ આઇશર ઘુસી જતા બે લોકોના મોત થયા હતા. જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં આઇશરનુ કેબિન આગળના ટ્રકમાં ઘુસી ગયું હતું. જેને બહાર ખેંચવા માટે ફાયર બ્રિગેડનો સહારો લેવો પડ્યો હતો. ગણેશપુરામા લગ્નમાં ડીજે વગાડીને આઇશર પરત સરઢવ જઇ રહ્યું હતું. ત્યારે આ અકસ્માતનો બનાવ બન્યો હતો.આ બનાવની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં નોંધાવાતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ સરઢવ ગામમા રહેતા હાર્દિક બિજલજી સેંધાજી ઠાકોરે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, બગોદરા પાસે આવેલા ગણેશપુરામાં લગ્ન પ્રસંગ હતો. જેનો ડીજેનો ઓર્ડર સરઢવના આકાશ સાઉન્ડને મળ્યો હતો. મોડી રાત સુધી લગ્નમાં ડીજે વગાડ્યા બાદ સાઉન્ડ લઇને ચાર મિત્રો વહેલી સવારે સરઢવ પરત આવી રહ્યા હતા. જે આઇશર નંબર જીજે 23 વાય 7449મા ડીજેનો સામાન ભરવામા આવેલો હતો. રાત્રિ દરમિયાન ઉજાગરાને કારણે આઇશરના ચાલક આકાશ પટેલને ઝોકું આવી ગયુ હોવાનું માનવામાં આવે છે. જેને લઇને આઇશર વૈશ્નોદેવી બ્રિજ ઉતરતા જાસપુર ગામના પાટિયા પાસે એક ટ્રકની પાછળના ભાગે ઘુસી ગયું હતું. જેમા ચાલક આકાશ અતુલભાઇ પટેલ અને આઇશરના આગળની કેબિનની ખાલી સીટમાં બેઠેલા અર્જુન ભરતભાઇ પટેલ (બંને રહે, સરઢવ)નુ મોત નિપજ્યુ હતુ. જ્યારે રોહન અને હાર્દિકને ઇજાઓ થતા સોલા હોસ્પિટલમા સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, આ અકસ્માત એટલો ભયાનક હતો કે, અકસ્માતમાં આઇશરની કેબિનના આગળના ભાગના ભૂક્કા બોલી ગયા હતા. જેમા આગળ બેઠેલા બંને યુવકોના મોત થતા કેબિનને ફાયર બ્રિગેડની ટીમને બોલાવીને અન્ય વાહનની મદદથી ખેંચીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે એક જ ગામના બે યુવાનોના મોત થતા સમગ્ર સરઢવ ગામમા માતમ છવાઇ ગયો હતો.