
ભાવનગરઃ જિલ્લામાં અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે વધુ એક અકસ્માત પાલિતાણા-સોનગઢ હાઈવે પર સર્જાયો છે. પાલિતાણા-સોનગઢ હાઈવે પર આજે પીપરલા ગામ પાસે કાર-બાઈક વચ્ચે અકસ્માત સર્જાતાં બે વ્યક્તિઓનાં મોત નિપજ્યાં હતાં, જયારે ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે શિહોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
આ અકસ્માતની વિગતો એવી જાણવા મશી છે. કે, મૂળ ભાવનગર જિલ્લાના વતની અને વ્યવસાય અર્થે સુરત સ્થાયી થયેલા આશિષ અરવિંદભાઈ સોનાણી તેમની માતા સવિતાબેન તથા પરિવારના કેયુર નરેશભાઈ સુતરીયા, વસંતબેન ગોપાલભાઈ ગઢીયા તથા ભાવનગર શહેરમાં રહેતાં વૃદ્ધા શાંતુબેન નાનું ભાઈ સુતરીયાને પોતાની કાર નંબર લઈને પાલીતાણા તાલુકાના મોખડકા ગામે લગ્ન પ્રસંગે જઈ રહ્યાં હતાં. તે સમયે સોનગઢ-પાલીતાણા રોડ પર પીપરલા ગામ પાસે પાલીતાણા તરફથી આવી રહેલા ડબલ સવારી બાઈક ચાલક પ્રવિણ રામસંગ સોલંકી તથા પ્રકાશ બાબુ સોલંકીએ પોતાની બાઈક પરનો કાબૂ ગુમાવી બાઈક કાર સાથે ધડાકાભેર અથડાવતાં કાર ચાલકે પણ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી.
આ ઘટનામાં બાઈક ચાલક પ્રવિણને ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર શાંતુબેન નાનુભાઈ સુતરીયાને પણ ગંભીર ઈજા થતાં સારવાર અર્થે શિહોર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. તેમજ કાર ચાલક આશિષ, સવિતાબેન, કેયુર અને વસંતબેનને નાની-મોટી ઈજાઓ સાથે પ્રથમ શિહોર અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર રીફર કરવામાં આવ્યાં હતાં. આ બનાવમાં બાઈક પાછળ બેઠેલા પ્રકાશને પણ ઈજા પહોંચી હતી, જેને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બાઈક સવાર વડાવળ ગામે રહે છે અને કુંભણ ગામે મજુરીકામે જઈ રહ્યાં હતાં. આ બનાવની જાણ સોનગઢ પોલીસને થતાં પીએસઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.