
વેરાવળ-સૂત્રાપાડા રોડની સાઈડ પર ઊભેલા પરિવારને ટ્રકે અડફેટે લેતા બેના મોત, ત્રણને ઈજા
સૂત્રાપાડાઃ ગીર સોમનાથ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં અકસ્માતનો વધુ એક બનાવ વેરાવળ-સૂત્રાપાડા રોડ પર સર્જાયો હતો. લાટી ગામના પાટિયા પાસે રોડ સાઈડ પર સ્કુટર પાર્ક કરીને એક પરિવાર ઊભો હતો. ત્યારે પૂરફાટ ઝડપે આવેલી ટ્રકે પરિવારને અડફેટે લેતા પિતા અને તેના સાત વર્ષનાં પુત્રનું કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે માતા અને બે પુત્રીને ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવને લીઘે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. અને પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો અને 108 એમ્બ્યુલન્સ દોડી આવ્યા હતા.
અકસ્માતના આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, સુત્રાપાડા ખાતે રહેતા રમેશભાઈ જેઠાભાઈ રાઠોડ પોતાના સ્કુટર પર પત્ની તથા ત્રણ બાળક સાથે મીઠાપુર ગામ પાસે શીતળા માતાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતાં. ત્યારે લાટી ગામના પાટિયા પાસે પહોંચતાં રોડની સાઈડમાં એક્ટિવા પાર્ક કરીને પરિવાર ઊભો હતો. એ દરમિયાન ટ્રક રજી.નં GJ.10 TT. 3713ના ચાલકે ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રમેશભાઈને તથા તેના પરિવારને અડફેટે લીધો હતો ધડાકાભેર ટ્રકે ટક્કર મારતાં રમેશભાઈ રાઠોડ તથા તેના સાત વર્ષના દીકરા ત્રિલોકને માથામાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચતાં મોત નિપજ્યુ હતુ. જ્યારે રમેશભાઈનાં પત્ની રામેશ્વરીબેન તથા પુત્રી સારીકા અને સરીતાને ઇજાઓ પહોંચતાં પ્રથમ સુત્રાપાડા અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે વેરાવળ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ બનાવને લીધે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અકસ્માત બાદ ટ્રકચાલક પોતાની ટ્રક લઈ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. જોકે અકસ્માત સમયે હાજર લોકોએ ટ્રકનો ફોટો-વીડિયો તેમના મોબાઈલ ફોનમાં કેદ કરી લીધો હતો, જેથી ટ્રકના રજિ.નંબર જાણી શકાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં કાળમુખી ટ્રકના ચાલકે નાના એવા પરિવારનો માળો વીખી નાખતાં અરેરાટી પ્રસરી ગઈ હતી. ઘટના અંગે સોમનાથ મરીન પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ IPC 279, 304 A, 337, 338 તેમજ મોટર વ્હીલ એક્ટની કલમ 117, 184, 134 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.